Top News Main

ટ્રમ્પે શરૂ કરાવ્યો ‘ફ્રીડમ શીલ્ડ’ યુદ્ધાભ્યાસ, કોરિયન દ્વીપકલ્પમાં વધ્યું ટેન્શન

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે કોરિયન દ્વીપકલ્પ પર પણ તણાવ વધવાની સંભાવના દેખાઈ રહી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સોમવારથી મોટા પાયે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ફ્રીડમ શીલ્ડ’ શરૂ કર્યો છે. આ યુદ્ધાભ્યાસ 19 માર્ચ સુધી ચાલશે અને તેમાં હજારો સૈનિકો ભાગ લેશે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, આ અભ્યાસમાં લગભગ 18,000 દક્ષિણ કોરિયન સૈનિકો સામેલ થશે, જ્યારે અમેરિકન સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. આ અભ્યાસ એવા સમયે શરૂ થયો છે જ્યારે દક્ષિણ કોરિયાના મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અમેરિકા દક્ષિણ કોરિયામાંથી કેટલીક સૈન્ય સંપત્તિઓ હટાવીને મિડલ ઈસ્ટમાં ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષમાં તેનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, યુએસ સૈન્યએ સુરક્ષા કારણોસર આ મામલે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ પણ પેટ્રિયોટ એન્ટી-મિસાઈલ સિસ્ટમને ઇઝરાયલ અથવા મિડલ ઈસ્ટના અન્ય વિસ્તારોમાં મોકલવાના અહેવાલો અંગે મૌન જાળવ્યું છે, પરંતુ તેમણે વિશ્વાસ આપ્યો છે કે સંયુક્ત સુરક્ષા વ્યૂહરચનામાં કોઈ ફેરફાર નહીં થાય.

ઉત્તર કોરિયા લાંબા સમયથી આવા સૈન્ય અભ્યાસોનો વિરોધ કરે છે અને તેને પોતાના દેશ સામેના સંભવિત હુમલાના પૂર્વાભ્યાસ તરીકે જુએ છે. ગયા મહિને પ્યોંગયાંગમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા સામે કડક વલણ દાખવ્યું હતું. તેમ છતાં તેમણે અમેરિકા સાથે સંવાદ માટેના દરવાજા બંધ નથી કર્યા, પરંતુ શરત મૂકી છે કે અમેરિકા પરમાણુ નિશસ્ત્રીકરણને પૂર્વશરત તરીકે ન રાખે. 2019માં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી ન્યુક્લિયર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ઉત્તર કોરિયાએ અમેરિકા સાથેની સક્રિય ચર્ચાઓ લગભગ બંધ કરી દીધી હતી. ત્યારબાદ કિમ જોંગ ઉન રશિયા સાથેના સૈન્ય સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે અને યુક્રેન યુદ્ધમાં પણ રશિયાને હથિયારો અને સૈનિકોની મદદ મોકલવાનો આરોપ છે. ‘ફ્રીડમ શીલ્ડ’ વર્ષમાં બે વાર યોજાતા મુખ્ય સૈન્ય અભ્યાસોમાંનો એક છે. આ વખતે ‘વોરિયર શીલ્ડ’ અંતર્ગત 22 ફિલ્ડ અભ્યાસ યોજાશે, જે ગયા વર્ષની તુલનામાં ઓછા છે. વિશ્લેષકોનું માનવું છે કે આ બદલાવ કદાચ ઉત્તર કોરિયા સાથે ફરી રાજદ્વારી વાતચીત શરૂ કરવાની કોશિશનો ભાગ હોઈ શકે છે. આ પરિસ્થિતિ વચ્ચે વિશ્વનું ધ્યાન હવે કિમ જોંગ ઉનની આગામી પ્રતિક્રિયા પર કેન્દ્રિત થઈ ગયું છે.

Most Popular

To Top