Editorial

ટ્રમ્પ અવિચારી રીતે રશિયાને મોકળું મેદાન આપી રહ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી જાત જાતના ગતકડાઓ કરી રહ્યા છે પરંતુ તેમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત અમેરિકાની વિદેશ નીતિમાં તેમણે કરેલો ફેરફાર છે. બીજું   વિશ્વયુદ્ધ પુરું થયું તેના થોડા જ સમય પછી મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી સોવિયેટ યુનિયન વચ્ચે શત્રુતા ઉભી થઇ. બીજા વિશ્વયુદ્ધમાં આ બંને મહાસત્તાઓ સાથે રહીને જર્મની અને   તેના સાથી દેશો સામે લડી હતી પણ વિશ્વયુદ્ધ સમાપ્ત થતા જ બંને વચ્ચેનો અવિશ્વાસનો માહોલ વકર્યો અને શીત યુદ્ધના એક લાંબા સમયગાળાની શરૂઆત થઇ.

સોવિયેટ યુનિયન નબળુ   પડ્યું અને તેનું વિસર્જન થયું તેના પછી આ સોવિયેટ યુનિયનના સૌથી મોટા સભ્ય દેશ તરીકે સોવિયેટ યુનિયનનો વારસો રશિયા પાસે ગયો. રશિયા એક અણુ સત્તા હોવાની સાથે ધીમે   ધીમે ફરી આર્થિક રીતે મજબૂત બનવા માંડ્યું. બીજી બાજુ ચીન પણ ધીમે ધીમે બળવાન બની રહ્યું હતું અને છેલ્લા કેટલાક વર્ષોમાં તો તેણે ખાસ્સું કાઠું કાઢ્યુ઼ં અને એક લશ્કરી અને આર્થિક   મહાસત્તા બનીને અમેરિકાને પડકારવા માંડ્યું છે.

આ રશિયા અને ચીનની એક ધરી પણ રચાઇ, ઉત્તર કોરિયા પણ તેમની સાથે જોડાયું. રશિયા અને ચીનને ગત વર્ષ સુધી અમેરિકાના મોટા   હરીફ તરીકે જોવામાં આવતા હતા. આ બંને દેશોનો ટેકો ધરાવતા હોવાનુ઼ં મનાતા સાયબર હેકરોએ અમેરિકાના સાયબર સ્પેસમાં ખાસ્સા ઉધામા મચાવ્યા હતા. પરંતુ અમેરિકાના પ્રમુખપદે   ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા અને તેમણે આશ્ચર્યજનક રીતે રશિયાના અને તેના પ્રમુખ પુટિનના મિત્ર જેવું વર્તન કરવા માંડ્યું. યુક્રેન મામલે વિચિત્ર વર્તન કર્યુ, યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીને રશિયા   સાથે યુદ્ધ વિરામ કરારમાં બાંધછોડ કરવાની સલાહ આપી અને વ્હાઇટ હાઉસમાં ધમકાવ્યા પણ ખરા. હવે ટ્રમ્પે યુક્રેન સામેના અમેરિકાના સાયબર ઓપરેશનો પણ બંધ કરાવી દીધા છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ રશિયા અને રશિયન પ્રમુખ પુટિન પ્રત્યે વધુને વધુ બાંધછોડકારી વર્તન અપનાવી રહ્યા છે જેમાં યુક્રેન સાથેના યુદ્ધની બાબતમાં રશિયા તરફી ઝોક ધરાવતો અભિગમ   લીધા બાદ હવે અમેરિકી ગુપ્તચર અધિકારીઓની ચેતવણીઓને અવગણીને એવો સંકેત આપ્યો છે કે પોતે અમેરિકાની રાષ્ટ્રીય સલામતી અને મહત્વના માળખા માટે રશિયાને એક મોટો   સાયબર ખતરો માનતા નથી.

સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકી સાયબર કમાન્ડને આદેશ આપ્યો હતો કે રશિયા સામેના તમામ આક્રમક સાયબર   ઓપરેશનો બંધ કરી દેવામાં આવે. ટ્રમ્પ તંત્રના આવા નિર્ણયથી નિષ્ણાતોમાં આઘાત ફેલાયો છે. અમેરિકી ગુપ્તચર અધિકારીઓ વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે કે રશિયા અમેરિકામાં   જાસૂસી કાર્યો અને સાયબર અપરાધોમાં સંડોવાયેલું છે અને હજી પણ અમેરિકા માટે ખતરો જ હોવાનું નિષ્ણાતો માને છે. રશિયા અને અમેરિકા આપણા સૌથી મોટા શત્રુઓ છે.

ટ્રમ્પે ઘણી   નોકરીઓમાં કાપ મૂકવાની સાથે ઘણા સાયબરસિક્યુરિટી કર્મચારીઓને પણ હાંકી કાઢ્યા છે અને આપણી સિસ્ટમોનું રક્ષણ થઇ રહ્યું નથી અને આપણા શત્રુઓ આ જાણે છે એમ એક   જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું. લોકો કહે છે કે રશિયા જીતી રહ્યું છે અને પુટિન હવે છેક અમેરિકાની અંદર છે એમ તેણે કહ્યું હતું. નિષ્ણાતોની ચિંતા સાચી છે. ટ્રમ્પ તરફેણ કરે તેથી શેહમાં  આવી જાય તેવા રશિયા અને ચીન અને તેના નેતાઓ નથી. તેઓ  અમેરિકામાં જાસૂસી અને હેકિંગ જેવા ઉધામાઓ ચાલુ જ રાખી શકે છે. ટ્રમ્પ પોતાના અવિચારી પગલાઓ દ્વારા તેમને  અમેરિકામાં છૂટો દોર આપી દઇ શકે છે. ટ્રમ્પે યુરોપ અને યુક્રેનને છોડી દેવાનો પણ સંકેત આપ્યો છે અને કહ્યું છે કે માઇગ્રન્ટો એ અમેરિકા સામે પુટિન કરતા મોટો ખતરો છે. યુરોપ સાથે છેડો ફાડવાના અભિગમને  કારણે હવે  યુરોપિયન દેશો સંરક્ષણ માટે અમેરિકાના સહકારની અપેક્ષા નહીં રાખી શકે તે સ્પષ્ટ છે.

ટ્રમ્પ કદાચ અમેરિકાને નાટોમાંથી પણ ખેંચી લે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગમે તેટલી મોટી  મહાસત્તા હોય, એકલે હાથે બધે પહોંચી વળવાનું અને પોતાનું જ ધાર્યુ કરવાનું કાયમ માટે તેના માટે શક્ય નહીં હોય. ટ્રમ્પ અવિચારી રીતે રશિયાની તરફેણ કરશે અને તેને છૂટછાટો આપશે  તો તે અને સાથો સાથ ચીન જેવા  તેના સાથીઓને અમેરિકાને નબળુ પાડવાનું મોકળુ મેદાન મળી જઇ શકશે. અને વધુમાં  ટ્રમ્પે મંગળવારે યુક્રેનને અમેરિકી લશ્કરી સહાયનો પુરવઠો  તત્કાળ અસરથી હંગામી ધોરણે અટકાવી દીધો છે એવા અહેવાલ આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ આદેશ ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ટ્રમ્પને એવું જણાય નહીં કે યુક્રેને  રશિયા સાથે શાંતિ વાટાઘાટો માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ આદેશ યુક્રેન સુરક્ષા સહાય પહેલ હેઠળની લાખો ડોલરની સહાયને પણ સ્થગિત કરે છે, જે ભંડોળ પૂરું પાડે છે જેનો ઉપયોગ  કિવ ફક્ત અમેરિકી સંરક્ષણ કંપનીઓ પાસેથી સીધા નવા લશ્કરી સરંજામ ખરીદવા માટે કરી શકે છે. અમેરિકાએ અત્યાર સુધી યુક્રેનને વિવિધ સહાય રશિયા સામે પુરી પાડી છે તેમાં તેનું  પોતાનું પણ વ્યુહાત્મક હિત છે.  હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નાણા બચાવવાના નામે યુક્રેનની સહાય અચાનક અટકાવી દે અને તેને રશિયા સાથે સમાધાન કરવાની અને પોતાના પ્રદેશો  અંગે બાંધછોડ કરવાની ફરજ પાડે તે ભવિષ્યમાં રશિયાને વધુ આક્રમક બનવા પ્રોત્સાહન આપે તેવી બાબત બની રહે તેમ છે અને આ જોતા એમ કહી શકાય કે ટ્રમ્પ પોતાના આવા  પગલાઓ દ્વારા રશિયાને મોકળુ મેદાન આપી રહ્યા છે.

Most Popular

To Top