Columns

અમેરિકનમાં ટ્રમ્પોત્સવઃ નક્કર વચનોના ‘નેરેટિવ’ સામે સલૂકાઈ હારી ગઈ

અમેરિકામાં આજે ‘ટ્રમ્પ ઘેર આનંદ ભયો’નો માહોલ છે. અમેરિકામાં ચૂંટણી પહેલાં જેટલા પણ પોલ્સ થયા એમાં દર 10 પોલ્સમાંથી 7 પોલ્સમાં એવી વાત હતી કે દેશમાં ધરમૂળથી બદલાવ થાય એ ઘડી આવી ચૂકી છે અને હવે અમેરિકાનું નેતૃત્વ બહુ જ અલગ હાથમાં જશે અને કમલા હેરિસ દેશનું સુકાન સંભાળશે એવી ચર્ચાઓ ચાલતી હતી. પણ બધા દાવા ખોટા ઠર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ જેની પર જાતભાતના આક્ષેપો થયા છે, જેના વિચારોના વિરોધ કરનારાઓની કોઈ ખોટ નથી, જેના ટેકેદારો કેપિટલ હીલ પર ફરી વળ્યા હતા અને જેના વિવાદાસ્પદ વિધાનોનો કોઇ પાર નથી તે ફરી એકવાર વ્હાઇટ હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે અને એ પણ ધામધૂમથી. ડેમોક્રેટ્સના સુપડાં સાફ કરીને ટ્રમ્પેટ વગાડતા વગાડતા ટ્રમ્પ ઓવલ ઑફિસમાં ફરી ગોઠવાઇ જવાના છે.
ટ્રમ્પની જીતના કારણોનું વિશ્લેષણ થઇ ચૂક્યું છે પણ આપણે સાથે એ પણ જોવું રહ્યું કે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં છવાઇ ગયેલા કમલા હેરીસે ક્યાં કાચું કાપ્યું અને ટ્રમ્પનો અભિગમ પ્રમુખ તરીકે કેવો રહેશે. વળી એ પણ જોવું રહ્યું કે જે ભારતીયોએ અમેરિકાનો નકશો જોવાનો પણ હજી પ્લાન પણ નથી કર્યો એ આપણા દેશબંધુઓ ટ્રમ્પની જીત પર આટલા બધા ગેલમાં કેમ આવી ગયા તો વળી જિઓ પોલિટિક્સ – ભૌગોલિક રાજકારણ પર વૈશ્વિક સ્તરે ટ્રમ્પનું અમેરિકાના પ્રમુખ હોવું કેવો પ્રભાવ પાડશે. આ એવી બાબત છે કે તેમાં જેટલા પાસાં નાણવા હોય એટલા નાણી શકાય અને બધી જ શક્યતાઓ પર વાત કરી શકાય, એમાંથી અમુક મુદ્દાઓ પર આજે નજર કરીએ.
હેરિસની હાર
કમલા હેરિસના કિસ્સામાં પાડાને વાંકે પખાલીને ડામ વાળું થોડું ઘણું તો થયું જ છે. જો બિડેનની સત્તામાં જે પણ ખોટા પગલાં લેવાયા અથવા તો તેમના લીધેલા પગલાંની જે પણ આડ અસર પડી તેનો બોજો કમલા હેરિસને માથે હતો જ અને તે ખંખેરવું તેમને માટે શક્ય નહોતું. મોંઘવારીની વાત કરીએ તો અત્યારે અમેરિકામાં લોકો તોબા પોકારે છે. કોવિડ-19 રોગચાળા પહેલાં ટ્રમ્પની સરકાર વખતે જે કિંમતે અમેરિકન બજારો દોડતાં ત્યાં ફરી પહોંચી શકવામાં બિડેન સરકાર નિષ્ફળ રહી. હેરિસની લોકશાહીની વાતોની કે ટ્રમ્પની વિભાજનકારી માનસિકતાની વાતોની મોંઘવારી પર કોઇ અસર નથી થવાની એ લોકોને સમજાયું અને કઠ્યું. કમલા હેરિસની પ્રતિભા ગમે એટલી મજબૂત હોય પણ તે અમેરિકન મતદારોના મનમાં એવી છાપ ન છોડી શક્યાં કે તે પોતે જ એ વ્યક્તિ છે જે અમેરિકામાં બદલાવ લાવી શકશે. કમલા હેરિસના છેવાડાના સુધી પહોંચેલા પ્રચાર કે તોતિંગ ચૂંટણી ફંડ પણ લોકોના મન મનાવવામાં કામ ન લાગ્યા. વળી પોતાની લીટી લાંબી કરવાના બદલે ટ્રમ્પની લીટી ટૂંકી કરવામાં ડેમોક્રેટ્સે વધારે જોર લગાડ્યું. ટ્રમ્પ વિરોધી નેરેટિવ ફેલાવનારા ડેમોક્રેટ્સ મતદાતાઓને ગોઠ્યા નહીં. તેની સામે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ના નારા સાથે મતદારો જોડાઇ શક્યા કારણકે તેમને તેમાં પોતાનો ફાયદો દેખાયો. ‘વૉકિઝમ’માં માનનારા ડેમોક્રેટ્સે વાલોને પૂછ્યા વિના લિંગ પરિવર્તન કરાવી શકાય જેવા મુદ્દાઓને આગળ ધર્યા પણ લોકોને તો વાજબી ભાવ અને રોજગારીમાં રસ છે, તેમને રસ છે કે ગેરકાયદે પોતાના દેશમાં રહેતા લોકોના બોજથી તેમનો દેશ છૂટે. પોતે બહુ જાગૃત છે એવું બતાડવામાં ડેમોક્રેટ્સ લોકોની નાડ ન પારખી શક્યા અને જરાતરા હાથમાં આવેલી બાજી હાથમાંથી ગઇ. આ સાબિત કરે છે કે અંતે દરેક મતદાર પોતાનો લાભ જુએ છે, તેમને મોટી વૈશ્વિક દરજ્જાની વાતોમાં કે નિંદામાં – ખાસ કરીને ચૂંટણી ટાણે તો જરાય રસ પડતો નથી.
ટ્રમ્પનો અભિગમ
ડોનાલ્ડ ટ્રમ્પ એક બેફામ માણસ છે – આ એક એવો પ્રમેય છે જે સાબિત કરવા માટે દાખલો કરવાની જરૂર જ નથી. ટ્રમ્પ પોતે અમેરિકાના પ્રમુખ પદને લાયક છે એ માનવા માટે તેને બીજા કોઇપણ દેશની મંજૂરી કે ટેકાની ગરજ નથી. એટલું જ નહીં એને તો અડધો અડધ અમેરિકા પણ જો પોતાનું વિરોધી હોય તો ય કંઇ ફેર પડે એમ નહોતું. ટ્રમ્પે પોતાની નીતિઓ માત્ર અમેરિકા લક્ષી જ હશે એવું અનેકવાર કહ્યું છે. માત્રને માત્ર પોતાના દેશના વિકાસ માટે સ્વાર્થીનું પ્રમુખનું લેબલ અન્ય દેશો તરફથી મળી જાય તો પણ ટ્રમ્પને લગીરેક ફેર નથી પડતો. ટ્રમ્પ એક બિઝનેસમેન છે, રિયલ એસ્ટેટ ટાયકૂન છે અને તે દેશનું તંત્ર પણ કોઇ કોર્પોરેટની માફક જ ચલાવવા માગે છે. અમેરિકા નામે દેશ તેની કંપની છે અને તે તેના આર્થિક વિકાસ સિવાય કશાયને મહત્ત્વ આપવા નથી માગતા, એટલે જ અન્ય દેશો સાથે પણ ટ્રમ્પ એ રીતે વાટાઘાટ કરશે જે અમેરિકાના ફાયદામાં હોય. અમેરિકાનું સૈન્યબળ તેની USP છે અને ટ્રમ્પ તેનો ઉપયોગ આર્થિક બળ વધારવા જ કરશે. યુદ્ધોમાં લપેટાવાને બદલે જે સાથી દેશો હોય તેમને શસ્ત્રો વેચીને છૂટી જવું ટ્રમ્પની શૈલી છે – ટ્રમ્પને કોઇ રસ નથી કે અમેરિકા વૈશ્વિક પોલીસ અધિકારી બને. વળી ટ્રમ્પ એક એવો પ્રમુખ છે જે એમ માને છે કે અમેરિકાને સીધો ફાયદો ન થતો હોય તો માનવાધિકારને પણ મહત્ત્વ ન આપવું જોઇએ. યુક્રેઇન અને પૂર્વ એશિયાના સંઘર્ષોને દૂર ધકેલી દેવા કે અટકાવી દેવામાં ટ્રમ્પને રસ છે કારણકે તેમના મતે એ બધા સંઘર્ષો અમેરિકન સ્રોતને ખાલી કરનારા છે. વૈશ્વિક નેતાઓ પછી તે મોદી હોય કે પુતિન કે પછી કિમ જોંગ અન – આ બધાય સાથે ટ્રમ્પને અંગત રીતે સારાસારી જ રાખવી છે અને તે એમ કરશે જ. ટ્રમ્પ હંમેશા ઘોંઘાટ કરનારા રાજકારણી રહ્યા છે અને તેમણે આખા તંત્રને હચમચાવીને બદલી નાખવાના દાવા મોટા અવાજે કર્યા જે લોકોએ માની લીધા છે. અન્ય દેશના જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહીને ત્યાંના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે તેમનો સામૂહિક દેશનિકાલ, ટેરિફ્સના ઊંચા દર , વહીવટમાં ધરમૂળથી ફેરફાર જેવા વચન આપીને ટ્રમ્પે લોકોને આડકતરી રીતે રોજગારી આપવાથી માંડીને મોંઘવારી ઘટાડવાના વચન આપ્યાં જેણે પણ લોકોને આકર્ષ્યા છે.
ટ્રમ્પની જીતથી ભારતને શું?
ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા એમાં આપણે ઘર આંગણે ઓચ્છવ થઇ ગયો. કોઇપણ વિશ્લેષણ વગરની સીધીસટ વાત એ છે કે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની દોસ્તીના ચાહકોનો વર્ગ મોટો છે. દરેક ઉત્સાહીને આ દોસ્તીના રાજકીય કારણો ખબર હોવા જરૂરી નથી, મુદ્દો એ છે કે આપણા ‘સાહેબ’ને ટ્રમ્પ સાથે ફાવે છે, વાત પુરી. આ ઉપરાંત વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ વાત કરીએ તો ટૅક્નોલૉજી, ડિફેન્સ, ઊર્જા અને સ્પેસને લગતા કાર્યોમાં અમેરિકા સાથે આગળ વધવામાં ભારતને રસ છે. દ્વિપક્ષી વ્યાપાર વધારવાથી માંડીને કાયદાકીય સ્થળાંતરની તરફેણમાં કામ કરવા જેવા મુદ્દાઓ વડાપ્રધાન મોદીની યાદી પર છે. ટ્રમ્પનું ફરી અમેરિકાના પ્રમુખ બનવું ભારત માટે ફરી એકવાર પશ્ચિમી દેશોમાં મજબૂત છબી ખડી કરવાની તક સાબિત થશે. કેનેડા જેવા દેશો સાથે ભારતને જે ખેંચા-તાણી ચાલે છે એમાં બરાબર સોગઠી રમવું હવે ભારત માટે સહેલું થઇ પડશે, તો બીજી તરફ રશિયા સાથેના સંબંધોમાં સંતુલન સાધવામાં પણ ટ્રમ્પનો ટેકો ભારતને કામ લાગશે. ટ્રમ્પને ચીન જરાય નથી ગમતો અને માટે જ ભારતને ચીનના વિકલ્પ તરીકે ગોઠવાઇ જઇ આર્થિક વિકાસ કરવાનું સહેલું થશે. ચીન સામે ઝીંક ઝિલવામાં ભારત અને અમેરિકાના વ્યુહાત્મક હિત કામે લાગશે. ટ્રમ્પને ભારતના આંતરિક રાજકારણ સાથે કંઇ જ લેવાદેવા નથી એટલે એ હસ્તક્ષેપ વિના સરહદી સુરક્ષાના મુદ્દામાં જ્યાં જરૂર પડશે ત્યાં મોદી સરકારને અમેરિકાની મદદ મળશે. જો કે આપણે યાદ રાખવું પડશે કે ટ્રમ્પ માટે ‘અમેરિકા ફર્સ્ટ’એક માત્ર અગ્રિમતા છે એટલે ભારતને આર્થિક અને તકનીકી લાભો ચપડી વગાડતાં મળી જશે એવું માનવાની ભૂલ ન કરવી. આપણે તો અમેરિકાના બજારોમાં એન્ટ્રી કરવી છે પણ ટ્રમ્પ એટલો બધો છૂટો દોર ન પણ આપે. અમેરિકી બજારોની વેપાર ખાધ ઘટાડવા માંગતા ટ્રમ્પ ભારત સાથેની લેતી-દેતી જટિલ બનાવી દે એમ પણ બને. ભારતની ‘ઓપન માર્કેટ’પોલીસી ટ્રમ્પને માફક ન પણ આવે.
સોશ્યલ મીડિયાનો ઉપયોગ
જેમ આપણે ત્યાં સોશ્યલ મીડિયા માર્કેટિંગમાં મોદી સાહેબ માહેર છે એ જ રીતે ટ્રમ્પે પણ ન્યૂ મીડિયાનો ઉપયોગ કરવામાં પાછું વળીને ન જોયું. ઇલોન મસ્ક અને ટ્રમ્પ એટલે જાણે એક તાંતણે બંધાયેલા બે જણા અને મસ્કનો ટેકો ટ્રમ્પને અણધારેલો લાભ કરાવી ગયો. અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓના મુદ્દા પર હેરિસે કોઇ નક્કર ઉકેલ ન આપ્યા અને મસ્કની મદદથી ટ્રમ્પે એ મુદ્દો બરાબર ચગાવ્યો. મસ્કના ટ્વિટર પર જાણે ટ્રમ્પોત્સવ ચાલ્યો અને ડેમોક્રેટ્સ આ મામલે હાથ ઘસતા રહી ગયા.
ટૂંકમાં, દેશ બદલ રહા હૈ – બદલેગા વાળું ગાણું અમેરિકન મતદાતાઓને મનાવી ગયું અને બે વાર ઇમ્પિચ થયેલા ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બન્યા. વર્તમાન તંત્રની ખામીઓ સામે લોકોના રોષ પર ખેલાયેલી ટ્રમ્પની રાજ રમત, બોલ્ડ વાયદાઓ, દુશ્મનોને નાથી દેવાના એજન્ડાનું શક્તિપ્રદર્શન, અત્યારની આર્થિક સ્થિતિને કારણે નિમ્ન સ્તરના લોકોની હેરાનગતિ અટકાવવાની વાતને મતદારોએ ટેકો આપ્યો. પણ ટ્રમ્પનું પાછા આવવું અમેરિકામાં અછતને આધારે ચાલતી નીતિઓમાં બદલાવ લાવશે? આર્થિક કટોકટીનો અંત આવશે? પ્રચારના વાયદા પુરા થશે? આ બધા સવાલોનો જવાબ તો સમય આવ્યે જ અમેરિકનોને મળશે.

Most Popular

To Top