અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. આ વખતે તેમણે કેથોલિક ચર્ચના વડા Pope Leo XIV સામે કડક શબ્દોમાં ટીકા કરી છે. પોપ લિઓએ તાજેતરમાં યુદ્ધ અને ખાસ કરીને ઇરાન મુદ્દે ચાલી રહેલા સંઘર્ષ અંગે શાંતિનો સંદેશ આપતાં હિંસાનો વિરોધ કર્યો હતો, જે બાદ ટ્રમ્પે જાહેરમાં તેમને “વીક” (નબળા) અને “ટેરિબલ ફોર ફોરેન પોલિસી” (વિદેશ નીતિ માટે ખરાબ) કહીને નિશાન બનાવ્યા છે.
રિપોર્ટ્સ મુજબ પોપ લિઓએ યુદ્ધને લઈને વિશ્વના નેતાઓને હિંસા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવા અપીલ કરી હતી. તેમણે ધાર્મિક ભાષાનો ઉપયોગ કરીને યુદ્ધને યોગ્ય ઠેરવવાની પ્રવૃત્તિ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. ખાસ કરીને અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
પોપના આ નિવેદનો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે પોપ લિઓ “ક્રાઇમ મુદ્દે નબળા” છે અને વિદેશ નીતિ અંગે તેમની સમજણ યોગ્ય નથી. ટ્રમ્પે આક્ષેપ કર્યો કે પોપ “રેડિકલ લેફ્ટ” તરફ ઝુકેલા છે અને તેમને રાજકારણ કરતાં આધ્યાત્મિક જવાબદારી પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ મુદ્દે બંને વચ્ચેનો મતભેદ ખાસ કરીને ઇરાન યુદ્ધને લઈને વધુ તીવ્ર બન્યો છે.
પોપ લિઓએ અગાઉ ટ્રમ્પ દ્વારા ઇરાનની “સિવિલાઇઝેશન નષ્ટ કરી નાખવાની” ધમકી આપતા નિવેદનને “અસ્વીકાર્ય” ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ સંઘર્ષને ધાર્મિક આધાર આપવો યોગ્ય નથી અને ભગવાન કોઈ યુદ્ધને આશીર્વાદ આપતા નથી. આ ઉપરાંત ઇમિગ્રેશન નીતિ સહિતના અન્ય મુદ્દાઓ પર પણ બંને વચ્ચે અગાઉથી મતભેદ રહ્યા છે. પોપ લિઓએ અમેરિકામાં પ્રવાસીઓ સાથેના વર્તન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ટ્રમ્પે તેની સામે કડક પ્રતિસાદ આપ્યો હતો.
વિશ્વ રાજકારણમાં ધાર્મિક નેતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચેનો આ ખુલ્લો વિવાદ અસામાન્ય માનવામાં આવે છે. વિશ્લેષકોના મત મુજબ આ ટકરાવ માત્ર વ્યક્તિગત ટિપ્પણી નથી, પરંતુ યુદ્ધ, વિદેશ નીતિ અને માનવતાવાદી મૂલ્યો અંગે બંને વચ્ચે ઊંડો વિચારોનો મતભેદ દર્શાવે છે.