ઘેજ : ચીખલીની (Chikhli) ક્વોરીઓમાંથી બહારની ટ્રકો (Truck) બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઇ રસ દાખવવામાં નહીં આવતા સ્થાનિક ટ્રક માલિકોની રોજીરોટીને અસર થતા દક્ષિણ ગુજરાત ચીખલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા હડતાળનું રણશીંગુ ફૂંકાતા બુધવારની સવારથી 500થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે.
ચીખલી વિસ્તારની કેટલીક ક્વોરીઓમાંથી કોલસા, સિમેન્ટની ખાલી ગાડીઓ (રિટર્ન)માં ખનીજ ભરી અપાતા સપ્ટેમ્બર 2021 ભારે વિવાદ સર્જાયો હતો અને ત્યારે સ્થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા તત્કાલિન પ્રાંત અધિકારી અને પીઆઇ સહિતનાની મધ્યસ્થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ નહીં ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડ્યો હતો અને હડતાળનો અંત આવ્યો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતા ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા અવાર નવાર જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરાઇ હતી.
સ્થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્યાને નહીં લઇ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ દાખવવામાં નહીં આવતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતા આજે 4 જાન્યુઆરી બુધવારના રોજથી ફરી હડતાળનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે અને આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતનાઓને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે અને ખનીજના વહન પર અસર થતા વિકાસના કામોને પણ વિપરિત અસર થશે.
પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત છતા ઉકેલ આવ્યો નથી
ટ્રક એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે ક્વોરીઓમાંથી બહારની રિટર્ન ગાડીઓ બોલાવી ખનીજ ભરી આપવામાં આવતા સ્થાનિક ટ્રક માલિકોની રોજી છીનવાઇ રહી છે. આ પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ કોઇ ઉકેલ નહી આવતા બુધવારની સવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું નક્કી કરાયું છે. જેને પગલે 500થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે.