પારડી: પારડી (Pardi) નેશનલ હાઇવે નંબર 48 પર ગતરોજ સાંજે સુરત (Surat) તરફ જતી કારને (Car) પ્રિન્સેસ પાર્ક સામે ટ્રકના (Truck) ચાલકે ટક્કર મારતા કાર હાઇવેની (Highway) રેલિંગમાં ભટકાઇ હતી. હાઇવેની લોખંડની રેલિંગ તોડી કાર 40થી 50 ફુટ સુધી સર્વિસ રોડ કૂદાવી પ્રિન્સેસ પાર્ક પાસેથી પસાર થતાં સર્વિસ રોડ પર ઘસડાઈ હતી. આ અકસ્માત સમયે સર્વિસ રોડથી જતી મોપેડ પણ માંડ માંડ અડફેટમાં આવતા બચી હતી. કારને અકસ્માતમાં ભારે નુકશાન પહોંચ્યું હતું.
કાર સવાર ભાવેશ બાલુ પટેલ (રહે. બીલીમોરા દેશરા) તેમજ તેમના પરિવારના પાંચ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ ટ્રકમાં બીયરનો જથ્થો ભર્યો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ટ્રક એક્સાઇઝની પરમીટ સાથે નીકળી હોવાની પણ વિગતો બહાર આવી હતી. ટ્રકમાં દારૂનો જથ્થો પરમીટ સાથે નીકળતો હોય ત્યારે નિયમ મુજબ પોલીસ એસ્કોર્ટ પણ કરતી હોય છે. ત્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થયો હતો. જોકે કાર સવાર પારડી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા બીયર ભરેલી ટ્રકનો એસ્કોર્ટ કરતી પોલીસ પહોંચી હતી. પોલીસ મથકે પરમીટનો બિયરનો જથ્થો હોવાના કાગળીયાઓ રજૂ કર્યા હતાં.
અંભેટીથી 82 હજારનો દારૂ ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ શિતલભાઈ નટવરભાઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોવિંદભાઈ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.ચાવડાને બાતમી મળી હતી કે, અંભેટી ગામે વાઘેચ જતા રોડના ગરનાળા પાસે ખુલ્લી જગ્યામાં એક કાળા કલરની પલ્સર મોટરસાઇકલ નં.(GJ 19 AD 4476)નો ચાલક ગોટી મારવાડી (રહે., વાઘેચ) વિદેશી દારૂ સાથે ઊભો છે. આથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં પોલીસના માણસોને જોઈ પોતાની બાઇક મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારે સ્થળ ઉપર ચેક કરતાં વિદેશી દારૂની નાની-મોટી કુલ 408 બોટલ કિંમત રૂ.42 હજાર તેમજ પલ્સાર બાઇકની કિંમત રૂ.40 હજાર મળી કુલ રૂ.82 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બાઇકચાલક ગોટી મારવાડીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.