નવસારી : નેશનલ હાઈવે નં.48 ઉપર આમડપોર ગામ પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસની (Police) બાતમીના આધારે 5.88 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલા ટ્રક (Truck) સાથે એકને ઝડપી પાડ્યો હતો. જયારે વિદેશી દારૂ ભરાવનાર-મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર આમડપોર ગામ બ્રિજ ઉતરતાં સર્વિસ રોડ પર એક ટાટા ટ્રક નં.(જીજે-17-ટી-9944)ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને રૂ.5.88 લાખના વિદેશી દારૂની 4704 નંગ બાટલીઓ મળી આવતાં મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના સંચોર તાલુકાના પમાણા ગામે અને હાલ સુરત કડોદરા વરેલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા ભજનલાલ બાબુલાલ બિશ્નોઈને ઝડપી પાડયો હતો.
પોલીસે ભજનલાલની પૂછપરછ કરતાં મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામાલાણી તાલુકાના બારાસણ ગામે અને હાલ સુરત કડોદરા વરેલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા શ્રીરામ ઉર્ફે સુનીલ વિરધારામ બિશ્નોઈએ વિદેશી દારૂ ભરાવ્યો હતો અને તેણે જ મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે શ્રીરામ ઉર્ફે સુનીલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 હજારનો મોબાઈલ, 2220 રૂપિયા રોકડા અને રૂ. 5 લાખની ટ્રક મળી કુલ રૂ. 10,95,220 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
અંભેટીથી 82 હજારનો દારૂ ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ શિતલભાઈ નટવરભાઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોવિંદભાઈ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.ચાવડાને બાતમી મળી હતી કે, અંભેટી ગામે વાઘેચ જતા રોડના ગરનાળા પાસે ખુલ્લી જગ્યામાં એક કાળા કલરની પલ્સર મોટરસાઇકલ નં.(GJ 19 AD 4476)નો ચાલક ગોટી મારવાડી (રહે., વાઘેચ) વિદેશી દારૂ સાથે ઊભો છે. આથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં પોલીસના માણસોને જોઈ પોતાની બાઇક મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારે સ્થળ ઉપર ચેક કરતાં વિદેશી દારૂની નાની-મોટી કુલ 408 બોટલ કિંમત રૂ.42 હજાર તેમજ પલ્સાર બાઇકની કિંમત રૂ.40 હજાર મળી કુલ રૂ.82 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બાઇકચાલક ગોટી મારવાડીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.