ગુજરાતના પ્રખ્યાત (famous personality of Gujarat) અને ખૂબ જાણીતા શાયર (poet) ખલિલ ધનતેજવી (khalil dhantejvi)નું દુઃખદ અવસાન થતા સાહિત્ય જગતમાં એક વ્યક્તિ નહિ પણ એક ગઝલ ઓછી થઇ ગઈ છે. જાણવા મળ્યું છે કે ઘણા સમયથી તેઓ શ્વાસની બીમારીથી પીડાતા હતા, ત્યારે રવિવારે સવારે જ તેમની તબિયત વધુ લથડી અને તેમની તમામ ગઝલોએ એક અંતિમ શ્વાસ લીધા હતા.
મહત્વની વાત છે કે ગઝલકાર તો આ દુનિયાની વિદાય લીધી હતી પણ બીજી બાજુ તેમની કૃતિઓ જીવંત થઇ ગઈ હતી, અને તેમની રચનાઓ દ્વારા વિવિધ કવિ લેખકો તેમને શબ્દાંજલિ આપી રહ્યા છે, ત્યારે સુરતના જાણીતા મનો ચિકિત્સક અને લેખક એવા મુકુલ ચોક્સી દ્વારા પણ તેમને શબદાંજલી અર્પણ કરતા તેમની પુસ્તકના પાના પર ઉથલાવ્યા હતા. જેમાં તેઓ લખે છે કે….
ખલીલજી ના અંતિમ ગઝલસંગ્રહ ” સમગ્ર ખલીલ” …… જેની પ્રસ્તાવના મેં સ્મિત સાથે લખી અને હજુ હમણા જ શેર કરી……તે હવે ફરી એકવાર આઘાત તથા દુખ સાથે શેર કરી રહ્યો છું
સમગ્ર ખલીલ ધનતેજવી
લાચારી, ખુમારી અને સમજદારીના સંયોજનમાંથી ખલીલે ખુશ્બૂદાર ગઝલો સર્જી છે…
એને ગમાડવી, ગૂંથવી, ગાવી કે ગણગણવી એ સુજ્ઞ વાચકની મરજી છે…
મને વાંચનની તીવ્ર ભૂખ લાગી હતી.
મારી એસ્થેટિક હંગરને શાંત પાડવા શબ્દોના એક મલ્ટિકુઝીન રેસ્ટોરાંમાં ગયો. તાળીઓથી સજાવેલા ટેબલો અને દાદોથી સુશોભિત દીવાલોની વચ્ચે ‘દુબારા’ નામની એક ચેર પર બેઠો. ભાષા નામની એક ગુજરાતી વેઇટ્રેસે મને “ક્યા બાત! બહુત ખૂબ !” કહીને આવકાર્યો. “વાહ” કહીને મેં મેનું કાર્ડ માગ્યું. તો તેણે દળદાર “મેનુ કાર્ડ” હાથમાં મૂકી દીધું. હું તો જોતો જ રહી ગયો. આટલા બધા ભરચક વિકલ્પોમાંથી મારે કયું વાંચન મંગાવવું એની દ્વિધામાં હું મેનુ કાર્ડનાં પાનાં ફેરવતો. ગયો. ભાવતી વાચનસામ્રગીઓની એક સજીવ સૃષ્ટિએ મને એવો આંદોલિત કરી નાખ્યો કે સામે ઑર્ડર લેવા ઊભેલી. ભાષા પાસે. હું કંઈ માગી. જ ન શક્યો! બસ કેવળ મેનુનાં પાનાં ફેરવતો રહ્યો. :
સ્ટાર્ટર મેનુ બહુ મજાનું હતું. પ્રેરણા, પ્રીચિંગ, સલાહ-સૂચન, દિશાસૂચન, પથદર્શન. ઊંડી સમજની વૈવિધ્યપૂર્ણ ફ્લેવર્સથી મઘમઘતી યાદીમાં શાણપણ, ગાંભીર્ય, ચિંતન અને દર્શનની ભાવસભર સોડમ ઉમેરાઈ હતી. ટ્રેડિશનલ વાચનસામ્રગીઓની યાદી તો ખૂબ લાંબી હતી. સમર્પણ, ડેડિકેશન, પ્લેટોનિસિટી, કુરબાની અને ફના થઈ જવાની તૈયારી. આત્મપ્રશંસા, આત્મનિર્ભરતા, ખુમારી, ખુદ્દારી, આત્મરતિ, આત્મપ્રશસ્તિ
તથા ઘણું બધું સ્વાદિષ્ટ અને ગળચટું.
સ્પાઇસી આઇટમ્સ પર નજર ફેરવી, તો પ્યૉર જુનૂન, ફૉર્સ, ઉન્માદ, આક્રમક વલણ અને અતિશયોક્તિભર ઉદ્ગારો* હતાં. તીવ્ર ચાહનાની ફરિયાદો પણ અસંખ્ય હતી. સાથે હતો ચાહતનો ચચરાટ.
શું મંગાવું વાંચન માટે? હું મેનુનાં પાનાં ફેરવતો રહ્યો. સુંવાળપ, કડકાઈ, ઘાવ, ઘસરકા, ઍટિટ્યૂડ, પંગા, આડાઈ, યાચના, કાકલૂદી, વગેરે, વગેરે, વગેરે. સ્વાદનો સીમાવિસ્તાર.
અમુક આઇટમ્સ સ્પેશિયલી લિસ્ટેડ હતી.
• ગ્લૅમરાઇઝ્ડ મુફલિસીનું મેઘધનુ.
• રુદન અને લાચારીનું ટિયરપેક્ડ કૉમ્બો.
અજંપાના ઓડકારની આપવીતી.
• સ્ટ્રગલ, કશમકશ, તકલીફ, મજબૂરી, સંઘર્ષ તથા તણાવનું સુપાચ્ય સલાડ.
વિચારોનો વિસ્ફોટક બ્લાસ્ટ.
• શમ્માથી પ્રજ્વલિત રાત્રિનું સૌદર્ય.
નૅસ્ટી, મિસ્ચિવિયસ, અલ્લડ, નૉટી, પાકટ, પક્વ, ઈશ્વરીય, ઘેલછાયુક્ત, પ્રેમરત, જીવનરત, સર્જનરત, ઘેઘૂર, મદમસ્ત, અભિશાપિત તથા પીડાપોષિત અદ્ભૂત વાતોનું પ્લેટર.
પણ મેઇનકૉર્સ અવર્ણનીય હતો.
ભૂતકાળ માટેનું ક્રેવિંગ ગળે મફલર બનીને ઝૂલતું હતું. નાગ અને મદારી ડોલતા ડોલતા વિશ્વ સમક્ષ સ્થિર ઊભા હતા. જખમ પર પાટાને બદલે પંક્તિઓ લપેટાઈ રહી હતી. એક ઓલિયો ફકીર બોલકો, સુફિયાણો, વર્બસ, શાણો, ચતુર, ગંભીર, ચિંતિત હોવા છતાં કન્ફ્યુઝ્ડ હોવાનો પાઠ ભજવતો હતો. સૌહાર્દ, સૌજન્ય, સાક્ષીભાવ, સરફરોશી, સમર્પણ, સંબંધાનુરાગ, સાહસોન્માદ, સૂત્રતીર્થ, સહજસ્વીકાર, સ્વત્વશોધ તથા સત્યાનુવાદથી સુખદોપનિષદ સુધીની સંભાવનાઓ એટલે જ સ્વાદનું સર્વોચ્ચ શિખર!
અને ડેઝર્ટમાં દીવાની જ્યોત ઉપર ફૂંકનું આચ્છાદાન, માનવીય નબળાઈઓની ટેકણલાકડી, ઈશ્વર સાથે મીઠો ઝઘડો, પ્રસંગોનું પંક્તિઓમાં રૂપાંતર, આગવી શૈલીનું ચોટદાર સૌંદર્ય, છંદની કિલ્લેબંધીમાં રચાયેલા મિસરાઓના કલાત્મક દરવાજા, આર્તનાદોનો ઓગળતો આહલાદ, થકાન અને મુસ્કાનના મિશ્રણમાંથી ખીલી ઊઠેલું ખુશ્બૂદાર ખલીલત્વ, રિસાયેલા પ્રેમીની ફરિયાદોનો ગુલદસ્તો, ચતુરાઈ ઉપર ફકીરાઈની લહેરાતી વિજયપતાકા, વક્રતા-મુસલસલતા-તીર્યકતા-કાલાતીતતાને અતિક્રમી જતી ઇલ્યુઝિવ સરળતા તથા. કાકુ-કટાક્ષનો લલચામણો પરિવેશ.
શું મંગાવીને વાંચું આ બધાંમાંથી ? હું અવાચક બેઠો હતો ‘કાફે સમગ્ર ખલીલ ધનતેજવી’ના એક અગોચર કૉર્નરમાં. આપ પણ પધારો આ આછેરા અન્ધકારમાં. મારી સાથે બેસો એક આખી સાંજ. અહીં, ઊર્ફે કાફે સમગ્ર ખલીલ ધનતેજવીમાં. અને ગણગણો સેંકડો માતબર શેરોને.
એ શેરો, જે ક્યારેક ક્વૉટેબલ ક્વૉટ્સ બની જાય છે, તો ક્યારેક જિંદગીનો ઑડિયો વિઝ્યુઅલ ઍકશન રિપ્લે. એ શેરો, જે ક્યારેક ચાંદસૂરજ-ફૂલો-કિતાબો-બાગો-સમંદરો-સુગંધો-ફરિશ્તાઓને અમર બનાવી દે છે, તો ક્યારેક આહ-પીડા-નિસાસાને દાર્શનિક વસ્ત્રો પહેરાવીને આપણાં અશ્રુઓને ઝીલતો રૂમાલ બનાવી દે છે.
આ શેરો વાંચીને હું વધુ સુગંધીદાર બન્યો છું. આ ગઝલો એ પૂરવાર કરે છે કે ગઝલોએ કશું પૂરવાર કરવાની જરૂર નથી. દરેક ગઝલકારમાં એક ભાષાવિશેષ, બોધવિશેષ, ઓળખવિશેષ હોય છે. મરીઝત્વ, આદિલત્વ, મનોજત્વ, રમેશત્વની જેમ ખલીલત્વ પણ ‘સમગ્ર: ખલીલમાં ખીલી ઊડ્યું છે પૂરબહારમાં. પાછલી ઊંમરના વિપુલ સર્જને ખલીલને મોટા ફલક ઉપરના ઊંચા ગજાના શાયર બનાવ્યા છે. કાફિયાબંદી અને તૂકબંદીના આ કાળમાં ખલીલ સોચબંદીના કીમિયાગર બનીને બતાવે છે. તેઓ સ્ટેજ પર બોલે છે તેમ તેમના અક્ષરો પુસ્તકના પેજ ઉપર બોલે છે.
ખલીલની સેંકડો ગઝલો પોતાને વિષે કહે છે : “અમારામાં સેંકડો બુઝાયેલી વારતાઓ પડેલી છે. અણિયાળી કહાનીઓ અને તરફડતા પ્રસંગોથી અમને ભરચક ભરી દેવામાં આવી છે. જીવતાજાગતા પાત્રો અમારે ટેકે ટેકે, તારસ્વરે જે કિસ્સા કહે છે તે કદાચ તમારા જીવનમાંથી જ ઊંચકીને એને શેરના શર્ટ, કાફિયાની કફની અને મિસરાનાં મોજાં પહેરાવી રજૂ કરવામાં આવ્યા છે. પણ બે મિસરા વચ્ચે છુપાયેલી સ્ટોરીઝને વાચકે શોધવી પડે એ રીતે છુપાઈ છે અમારામાં.” આ હું નથી કહેતો, ખલીલની કિસ્સેદાર ગઝલો પોતે જ કહે છે.
“વાચકો અમને પૂરપાટ વાંચી જશે તો લાગશે કે જીવનનું દૂરથી વિહંગાવલોકન કરીએ છીએ અમે. પણ ધીમે ધીમે બોલીને અમને મનમાં પણ મમળાવશો તો જણાશે કે અમે આપનું નિકટાવલોકન અને સૂક્ષ્માવલોકન કરીએ છીએ. અમે એકસાથે ‘દૂરબીન’ અને નિકટબીન’નું કૉમ્બો બનીને પેશ થઈએ છીએ.”
આ હું નથી કહેતો, આ ખલીલની દીર્ઘદૃષ્ટિવાન ગઝલો કહે છે.
અને ‘સમગ્ર’ ખલીલ ધનતેજવીને પોંખવાના આ રૂંવાટીદાર અવસરે છેલ્લી વાત કહી દઉં. પદ્યકાર વિષે ગદ્યમાં કહેવાનું આવે ત્યારે એવું
લાગે છે કે હું જાણે પાણીને પીવાને બદલે મોંમાં ટ્યૂબથી ચૂસીને હોજરીમાં ઠાલવી રહ્યો હોઉં. પાણીનું એસેન્સ પીવામાં છે, કેવળ હોજરી ઠાલવી દેવામાં નથી. બસ કંઈક એ જ રીતે ખલીલનું એસેન્સ પદ્યમાં છે… ગદ્યાળુ વાતો પ્રસ્તાવના:રૂપે વાચકોના મનમાં ઠાલવવામાં નથી.
એટલે જ, ખલીલ ધનતેજવી ઉર્ફે મારા સર્વાધિક, સર્વકાલીન પ્રિય ગઝલકાર વિષે લખેલી આ પદ્યાત્મક સંવેદનાઓ, આપ સુધી પહોંચાડી મારો અહોભાવ મોકળે મને પ્રગટ કરું છું.
વર્ણન, વિચારો, વ્યાપ, વળાંકો, વ્યથાઓ છે,
પાત્રો, પ્રસંગો, પ્લોટ અને શક્યતાઓ છે.
થોડા ચૂંટેલા શેરનું લાઇવ જુઓ તો થાય,
બે પંક્તિઓમાં આખી ને આખી કથાઓ છે.
એનાં પ્રતીકો જુદાં અને વાતો ન્યારી છે,
મસ્તી ઉપર મિજાજની શાહી સવારી છે.
એની ગઝલમાં નાગની સાથે મદારી છે,
શંકરની જેમ ઝેર પીવાની ખુમારી છે.
સીધી ને સટ છે વાત વિરહ કે વહાલની,
ભાષા છે ચીલાચાલુ અને બોલચાલની.
બસ એટલા જ માટે ખલીલ જ્યારે બોલે છે,
અંતરમાં ઉતરી જાય છે , તુર્ત જ કમાલની.
મારા મતે ખલીલની પ્રેમિકા ચાર છે,
ગુજરાતી ને ગઝલ એ બેઉ પહેલા પ્યાર છે.
પત્ની એ એની પ્રેયસી ત્રીજી ધરાર છે,
ચોથીની શોધ ચાલુ છે, મળવાને વાર છે.
નિર્ભય છે, આખાબોલી છે, જિદ્દી, સ્વમાની છે,
ઉદંડ એરોગન્ટ કદીક એની બાની છે.
ભિક્ષાની જેમ દાદ કદી માંગતા નથી,
આથી તો ભાવકોએ એની વાત માની છે.
અંદરથી વાહ નીકળે એ સાચી ગણે મુકુલ,
બાકી બધી વિવેચનાઓ વ્યર્થ ને ફિજૂલ.
બાકીના સૌ કવિઓ મળી મેળવે જે કુલ,
એથી વધારે દાદ ખલીલે કરી વસૂલ.
સૌ સંગ્રહોનાં નામ ‘સ’ પરથી શું કામ છે?
બીજા મૂળાક્ષરો શું નકામા તમામ છે?
‘સારાંશ’, ‘સૂર્યમુખી’ કે ‘સોગાત’, ‘સાહ્યબો”,
‘દિવાન-એ ખાસ’ છે છતાં ‘દિવાન-એ આમ’ છે.
શું સાહ્યબી તું ભોગવે છે વાહ રે ખલીલ!
છંદો કરે રસોઈ તમારે ઘરે ખલીલ.
કચરા-પોતાં રદીફ તારે ત્યાં કરે ખલીલ,
ને કાફિયાઓ તારે ત્યાં પાણી ભરે ખલીલ.
યુગને અતિક્રમે જે એવા આરોહણ નથી,
તેઓમાં કોઈ મહાન કવિનું રટણ નથી.
પણ તોય એક વાક્યમાં કહેવું હો તો કહીશ,
એવું ખલીલમાં છે, જે બીજે ક્યાંક પણ નથી.
ક્લાસિક ગઝલ લખીને બન્યો છે સોહામણો,
ને લોકપ્રિયતામાં બધાથી છે સો ગણો.
જેમ બૉલિવૂડ છે, તેમ ‘ગઝલવૂડ’ને જો ગણો,
તો સમજી લો કે આ છે ખલીલખાન’ આપણો.
વાણીમાં ખોટો ગર્વ, ઘમંડ કે ગુરૂર નથી,
વર્તનમાં ચાપલૂસી નથી, જીહજૂર નથી.
પોંખ્યો છે એના ચાહકોએ એને એટલો,
કે જ્ઞાનપીઠ કે પદ્મશ્રીની પણ જરૂર નથી.
બોલીને નહીં, એ સંબોધનોથી. રચાય છે,
જે ખુલ્લા કાન રાખે એને સંભળાય છે.
સારું છે મહેફિલોમાં જબરદસ્ત છવાય છે,
બાકી ખલીલની ગઝલો બહું ઓછી ગવાય છે.
જગની જ વાતો જગને સુણાવે છે તે જુઓ,
ખુદની ગઝલમાં એને સમાવે છે તે જુઓ.
બચ્ચન જેવા અવાજ કે ઊંચાઈ નહીં જુઓ,
બચ્ચન જેવી પ્રતિભા ધરાવે છે તે જુઓ.
છંદોમાં છુટછાટોય મળશે ખલીલમાં,
ભાષાની થોડી ભૂલોયે ભળશે ખલીલમાં.
કિન્તુ જીવનપર્યત ભૂલી નહીં શકો એવા,
કેટલાય શેર અચૂક નીકળશે ખલીલમાં.
‘સાક્ષાત્કાર’, ‘સાદગી’ ને ‘સુબ્હશામ’ છે,
‘સાતત્ય’, ‘સુખ’, ‘સંભાવના’, ‘સજદા’, ‘સલામ’ છે.
‘સહિયર’, ‘સુગંધ’, સલ્તનત’, ‘સરેઆમ’ તમામ છે,
આવનાર સંગ્રહોનાં આ સૂચિત નામ છે.
કંઈ પણ લખે એ, લખવા ઉપર બાન થોડો છે?
માણસ જેવો માણસ છે, એ ભગવાન થોડો છે?
મારો તમાચો એક, તો સામા બે મારશે,
ધનતેજવી ખલીલ છે, જિબ્રાન થોડો છે?
મિસરાથી મનને ખોલે એ શું નાની વાત છે?
પીધા વિનાય ડોલે એ શું નાની વાત છે?
પંચ્યાશી વર્ષે દર્શકો સામે ઊભા રહી,
ગૌરવથી ગઝલો બોલે, એ શું નાની વાત છે?
જેવા સહજ રહીને લોકો ગીતો ગાય છે,
જેવી સહજ રીતે અહીં ગાળો અપાય છે.
એવી રીતે મુશાયરાના મંચથી હંમેશા,
ગઝલોની ગુજરાતીમાં રજૂઆત થાય છે.
ગઝલો ને મુક્તકોનાં ઘણાં પુસ્તકોય છે,
ફિલ્મો, નવલકથાઓ અને નાટકોય છે.
સન્માનો, પારિતોષિકો ને ચંદ્રકોય છે,
વહાલુડા વાચકો ને ચતુર ચાહકોય છે.
આવા મજાના મસ્ત ખલીલના કુટુંબમાં,
હિન્દી ને ઉર્દૂ નામનાં બે બાળકોય છે.
નિયત મળી મને ને અસલિયત મળી મને,
એની ગઝલમાં ખૂબ ગઝલિયત મળી મને.
પ્રત્યેક શેરમાં મળી ભરપૂર શેરિયત,
બોનસમાં સાથે ખૂબ ‘ખલીલિયત’ મળી. મને.
ફરિયાદોને એ વહાલમાં ઘોળીને આપે છે,
આક્ષેપોને સુગંધમાં ચોળીને આપે છે.
કડવાશ પણ એનામાં ભળેલી છે ભારોભાર,
કિન્તુ મીઠાશમાં એ ઝબોળીને આપે છે.
સામાન્ય ટાઇપનુંયે લખે છે ઘણી વખત,
સબજેક્ટ્સ પણ ઘણાય છે કૉમન ને સહેલા છે,
એને વિવેચકોનાં વખાણોના મહેલ નહીં,
લોકોનાં દિલનાં ઝૂંપડાં ફાવી ગયેલાં છે.
નાનકડા શેરમાંય મોટું તથ્ય હોય છે,
જીવનથીયે અજાણ્યું કોઈ સત્ય હોય છે.
એવું ખલીલની ગઝલોથી પૂરવાર થાય છે,
કે લોકપ્રિયતામાં પણ સાહિત્ય હોય છે.
હર ચીજ અંગે બોલવાનું એને ફાવે છે,
ચીસોને ડૂસકાંને એ ખિસ્સામાં લાવે છે.
સામાન્ય સંજોગોમાં સદાકાળ વર્જ્ય છે,
એ રાજનીતિનેય ગઝલમાં સમાવે છે.
અણજાણ ગામડાને ખૂણે ઊછર્યો કવિ,
સંઘર્ષવાળું બાળપણ જીવી ગયો કવિ.
ધનતેજવી અટકથી ભલે જાણીતો થયો,
પણ ધનના ઝાઝા તેજ વગરનો રહ્યો કવિ.
છાપાં છૂટી ગયાં, અને ફિલ્મો છૂટી ગઈ,
સાથે રહી સદા, તે ગઝલ ખાસ થઈ ગઈ.
ક્યારેક અછત, કદીક બીમારીના રૂપમાં,
મુશ્કેલી આવી આવીને બાયપાસ થઈ ગઈ.
લાચારીને દયામણા થઈ પેશ નહીં કરે,
બદબાદીને બજારમાં એનકૅશ નહીં કરે.
કારણ વિના કરે નહીં કકળાટ કોઈ દિ,
કારણ હો તોય કોઈ સાથે ક્લેશ નહીં કરે.
એ પૂર્વગ્રહ કે કોઈ દુરાગ્રહથી ગ્રસ્ત નથી,
આથી જ તો જીવંત છે ને એનો અસ્ત નથી.
શેરો વિચારપરસ્ત છે સઘળા ખલીલના,
એ કાફિયા, રદીફ કે ભાષાપરસ્ત નથી.
વાચકના ઢગલેઢગલા પ્રતિસાદ પામજો,
આજે કવિપ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવજો.
પોતેય વાંચજો ને બીજાને વંચાવજો,
દિલથી તમે ‘સમગ્ર ખલીલ’ને વધાવજો.
– મુકુલ ચોક્સી