Comments

પર્યાવરણ સંરક્ષણની ચર્ચાના કેન્દ્રમાં માનવને રાખનાર માધવ ગાડગીલને શ્રદ્ધાંજલિ

“જેમ જેમ જળ-વાયુ પરિવર્તન સાથે સંકળાયેલા કષ્ટની વહેંચણી અસમાન છે. જેમ જેમ આબોહવાના બદલાવમાં વેગ આવી રહ્યો છે તેમ સૌથી ગરીબ લોકોના ભાગે એનો ભાર વધારે સહન કરવાનો આવે છે.”આ શબ્દો હતા પ્રખ્યાત પર્યાવરણવાદી અને ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ થી પુરસ્કૃત પ્રોફેસર માધવ ગાડગીલના, જેમણે સાત જાન્યુઆરીના રોજ, ૮૩ વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેઓ ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઈ.આઈ.એસ.સી) સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. બેંગ્લોરમાં તેમણે 1983માં સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સિસની સ્થાપના કરવામાં મદદ કરી હતી. તેઓ પાછળ છોડતા ગયા છે એમનું અતિ મૂલ્યવાન કામ. જે આપણને આજની પર્યાવરણની કટોકટીને સમજવામાં મદદ કરે છે. એમના કામમાં સ્થાનિક લોકો, એમના સંસાધનો, અને એમનો કુદરત સાથેનો સંબંધ કેન્દ્ર સ્થાને રહ્યા છે, જે આજના વિકાસના મોડેલ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

માધવ ગાડગીલ, જેમણે શરૂઆત ‘ઉચ્ચ વર્ગના શહેરી સંરક્ષણવાદી’ તરીકે કરી પણ જેમ જેમ લોકોને મળતા ગયા અને અભ્યાસમાં ઉંડા ઉતરતા ગયા તેમતેમ તેમને સમજાતું ગયું કે ભારતના આ સામાન્ય માણસો તો પર્યાવરણ ચક્રનાં મહત્વના ઘટકો છે. જંગલ જેમને માટે ઘર હતું એવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોની તેમણે હિમાયત કરી. ૨૦૧૧મા તેમની આગેવાની હેઠળ તૈયાર થયેલો પશ્ચિમ ઘાટી પર્વત માળા અંગેનો રીપોર્ટ આ જ સંદર્ભે સીમા ચિન્હ રૂપ કામ છે.

જે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે ઉભી થતી અઘરી પસંદગી માટે મહત્વનો દૃષ્ટિકોણ પૂરો પડે છે. આ રીપોર્ટ લોકશાહી અને સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી અધિકારીથી શરુ કરી ગામડામાં વસતા છેવાડાના માણસ સુધી સૌના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ રીપોર્ટ માટે કરવામાં આવેલા ઉંડાણ પૂર્વકનાં અભ્યાસની સમગ્ર વિશ્વમાં સરાહના થઇ હતી. આજથી પંદર વર્ષ પહેલા આ રીપોર્ટે નીલીગીરી સહીત સમગ્ર પશ્ચિમ ઘાટની પર્વતમાળાને પર્યાવરણની દૃષ્ટીએ સંવેદનશીલ જાહેર ગણાવ્યા હતા.

બજાર તરફી અર્થતંત્ર પર સીધું નિશાન તાકવામાં આવ્યું હતું અને લોકોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. જે પહાડી અને એના જંગલો દ્વારા સ્થાનિક આજીવિકાને સદીઓથી ટેકો મળ્યો હોય એના જતન માટે એ જ સમુદાયોનો સમાવેશ કરવાની હિમાયત કરવામાં આવી હતી. તત્ત્કાલીન મનમોહન સિંઘ સરકારે માધવ ગાડગીલની સલાહ માંગી હતી. પર્યાવરણ સામે ઉભેલો ખતરો જોઈ તેમણે પશ્ચિમ ઘાટીમાં કોઈ નવા ઉદ્યોગોને મંજૂરી નહિ આપવાનું અને ચાલુ ઉદ્યોગોને ધીમે ધીમે બંધ કરી ત્યાંથી હટાવી લેવાની સલાહ આપી હતી. તેમની હિમાયત જી.ડી.પી લક્ષી નહોતી એટલે રાજકીય વર્ગને સ્વીકાર્ય નહોતી.

ભારત સરકાર અને પશ્ચિમ ઘાટીના સંબંધિત તમામ પાંચ રાજ્યોએ આ અહેવાલની ભલામણોને નકારી કાઢી, અને અન્ય વિજ્ઞાની શ્રી કસ્તુરી રંગમના વડપણ હેઠળ એક બીજી સમિતિની રચના કરી જેણે પશ્ચિમ ઘાટીના માત્ર ૩૭ ટકાને જ સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કર્યો. પર્યાવરણનો વિનાશ નોતરતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલુ રહી પણ ગાડગીલ સમિતિના રીપોર્ટનો આત્મા, એટલે કે વિકાસના મોડેલ સામે ઉભા કરવામાં આવેલા પ્રશ્નો કાયમ છે, જે દિવસે ને દિવસે વધુને વધુ પ્રસ્તુત બનતા જાય છે. આજે અરવલ્લીની વ્યાખ્યા નવેસરથી કરવાનો વિવાદ ચાલી રહ્યો છે, જેના કેન્દ્રમાં પણ આ જ તો મુદ્દાઓ છે.

વૈશ્વિક સ્તરે ચાલતી પર્યાવરણ સંરક્ષણની ચર્ચા ઘણીવાર ફંટાઈ છે. બાયોડાયવર્સિટી (જૈવિક વૈવિધ્ય)ના નામે ઘણી વાર સાચી રીતે તો અનેક વાર કૃત્રિમ રીતે માનવ અધિકારોને અવગણી વન્યજીવના સંરક્ષણને અગ્રીમતા પામતી હોય છે. માધવ ગાડગીલ માનવ અધિકારોને હંમેશા પ્રાધાન્ય આપતા રહ્યા. 1972ના વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ અંગે તેઓ માનતા હતા કે એ આ કાયદો ભારતના સામાન્ય લોકોને તાબે કરવા માટે વન વિભાગોના હાથમાં હથિયારનું કામ કરે છે. ખાસ કરીને વનવગડાની પેદાશોને વીણવાનાં કામને ગુનાહિત કૃત્ય ગણી સ્થાનિક લોકોના જંગલ પરના અધિકારને છીનવી લેવાનું કામ થાય છે. તેમના મત પ્રમાણે વિકાસનું વર્તમાન મોડેલ લોકો પર થોપી બેસાડવામાં આવ્યું છે.

ગયા વર્ષે જ્યારે કેરાલાના વાયનાડમાં ૨૦૨૪માં આશરે ૨૫૦ લોકોનો જીવ લેનાર ભૂસ્ખલનનાં સંદર્ભે તેમણે કહ્યું હતું એક ખાણકામ અને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને વિકાસની ખુલ્લી છૂટ આપવા માટે લોકોના સામૂહિક સંસાધનો પર તેમની સંમતિવિના જ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા જનવિરોધી અને કાંઇક અંશે જૂલ્મી પણ છે. દરેક સરકારની નીતિનાં લક્ષ્યમાં દેખાતા વ્યાપારી હિતને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોના અધિકારોની થતી અવગણનાથી તેઓ વ્યથિત હતા. માધવ ગાડગીલ આજે આપણી વચ્ચે નથી પણ સામાજિક ન્યાય, સમાનતા, અને માનવ ગરિમા સચવાય એવા બંધારણીય મૂલ્યો માટે તેમણે સેવેલો આશાવાદ આપણી સાથે છે જે આપણને રસ્તો બતાવતા રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top