પારડી : પારડી રેલવે સ્ટેશન (Railway Station) પર આજરોજ બપોરે મુંબઈથી પોરબંદર જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનું વ્હીલ અચાનક પારડી (Pardi) ફાટક પાસે જામ થઈ જતાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને (Vehicle drivers) કલાકો સુધી ટ્રાફિક (Traffic) સર્જાતા પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પારડી ફાટક પર આજે બપોરના એક વાગ્યાના સુમારે પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રેનનું વ્હીલ અચાનક જામ થઈ જતા આગળના બે ડબ્બા ફાટકની વચમાં અટકી ગયા હતા. જેથી વાહનચાલકોની અવર-જવર નહીં થતા કલાકો સુધી ફાટક બંધ રહ્યો હતો. પારડી શાળાએ ગયેલા કાંઠા વિસ્તારના વિદ્યાર્થીઓ બપોરના સમયે છૂટતા અને નોકરિયાત વર્ગો, કામાર્થે નીકળેલા લોકો, અહીં ફસાતા અકળાયા હતા. જોકે ટ્રેનનું જામ થયેલ વ્હીલ રિપેરીંગ કર્યા બાદ ધીમે ધીમે વલસાડ તરફ રવાના કરાઈ હતી. એક કલાક બાદ ફાટક ખોલતા વાહન વ્યવહાર ખુલ્લો થયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
ગણદેવીના માર્ગો ઉપર રખડતા ઢોરોએ અડીંગો જમાવતા ટ્રાફિક સમસ્યા જટિલ બની
ગણદેવી-નવસારી : ગણદેવી તાલુકામાં ચોમાસા દરમિયાન રખડતા ઢોરો જાહેરમાર્ગો ઉપર અડીંગો જમાવતા હોવાની પ્રતિવર્ષ સમસ્યા વકરવા પામે છે. તાલુકામાં 272.40 હેકટર ગોચર જમીન હોવા છતાં પાંજરાપોળના અભાવે સમસ્યા ફરી વિકરાળ બની છે. રાજ્યના માજી ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાફલામાં ગાય ઘુસી જવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. ત્યારે ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોની સમસ્યા રોજિંદી છે. ગણદેવી તાલુકામાં કુલ 16114.34 હેક્ટર જમીન પૈકી 272.40 હેકટર જમીન ગૌચરની છે.
ગૌચર અનામત જમીન ઉપર ઠેર-ઠેર દબાણો ઉભા થયા છે. સરકારના ઉદાસીન વલણને પગલે પાંજરાપોળ કે રખડતા ઢોરો માટે સમગ્ર તાલુકામાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેને કારણે હજારો રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડીંગો જમાવે છે. જેમાં ગણદેવી ચાર રસ્તા વંદેમાતરમ ચોક, બજાર ચોક, ધનોરી નાકા, ધમડાછા માર્ગ તેમજ અમલસાડ સહિત અનેક રાજમાર્ગો ઉપર રખડતા ઢોરો અડિંગો જમાવી રહ્યા છે. મળ-મૂત્રથી માર્ગો લપસણા બનતા અને રાત્રીના અંધકારમાં બેઠેલા ઢોરોના ધણ નજરે નહી ચઢતા અકસ્માતો બની રહ્યા છે. ત્યારે માર્ગો ઉપરથી ઢોરોને હટાવવાની કામગીરી તાકીદે શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. જોકે ગણદેવી શહેરમાં ઠેર-ઠેર કેટલ ગાર્ડ ફિટ કરાતા અનેક સોસાયટીમાં રખડતા ઢોરની સમસ્યા હળવી બની છે. આ પ્રયોગની જાહેર માર્ગો ઉપર જરૂરીયાત વર્તાઈ રહી છે.