સુરત: ઠેર ઠેર વંદે ભારત (Vande Bharat) ટ્રેન (Train) શરૂ કરવાની અને અમદાવાદ (Ahmedabad) મુંબઇ (Mumbai) વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની વાત વચ્ચે રેલવે તંત્રનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિહારના બરૌનીથી અમદાવાદ માટે નીકળેલી ટ્રેનને ચલથાણથી ઉધના રેલવે સ્ટેશન સુધીનું 11 કિમીનું અંતર કાપવામાં ત્રણ કલાક નીકળી ગયા હતાં. જેના કારણે કંટાળેલા મુસાફરો ઉધનામાં ઉતરી ગયા હતાં અને રિક્ષા મારફતે સુરત રેલવે સ્ટેશને પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ બીજી ટ્રેન મારફતે અમદાવાદ પહોંચ્યા હતાં.
- કંટાળી ગયેલા પેસેન્જરો ઉધના સ્ટેશન પર ઉતરી ગયા
- રિક્ષામાં સુરત સ્ટેશન પહોંચી બીજી ટ્રેનમાં અમદાવાદ ગયા
- મુસાફરોને જીવતેજીવ દોજખનો અનુભવ થઇ ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર બરૌની-અમદાવાદ વચ્ચે વાયા સુરત અઠવાડિયામાં 6 દિવસ એક્સપ્રેસ ટ્રેન દોડે છે. આ ટ્રેનનો શિડ્યુલ્ડ ટાઈમ સુરત રેલવે સ્ટેશન પહોંચવાનો સવારે 8.07 વાગ્યાનો છે અને અમદાવાદ પહોંચવાનો સમય 11.50 મિનિટ છે. આ ટ્રેન બરૌનીથી સમયસર નીકળી હતી પરંતુ રસ્તામાં તે મોડી પડતી ગઈ હતી. આ ટ્રેન ચલથાણ પહોંચી ત્યારે જ તે તેના નિર્ધારીત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ચલથાણથી ઉધના સુધીના 11 કિલોમીટરનું અંતર કાપતા ટ્રેનને ત્રણ કલાક થયા હતા. બપોરે ત્રણ વાગે પણ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી શકી ન હતી. ઉધનામાં પણ ટ્રેન રેલવે સ્ટેશન પહેલા બાયપાસ પહેલા ઊભી રહી ગઈ હતી.
એક તરફ આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ ટ્રેન ઉધના સુધી પહોંચતા પહોંચતા જ સાત કલાક મોડી પડી હોવાથી કંટાળી ગયેલા મુસાફરો ઉધના સ્ટેશન પર જ ઉતરી ગયા હતા. ઉધના સ્ટેશન પર ઉતરી ગયેલા પેસેન્જર પૈકી કેટલાકે જણાવ્યું હતું કે, તેમને અમદાવાદ જવું છે અને આ ટ્રેન અમદાવાદ જવાની છે પરંતુ ખબર નથી આ ટ્રેન ક્યારે અમદાવાદ પહોંચાડશે. રામકિશન મોર્યાએ જણાવ્યું હતું કે ચલથાણથી બાયપાસ સુધી આવતા જ ત્રણ કલાક થયા છે. અમદાવાદ ક્યારે પહોંચાડશે ખબર નથી તેથી ઉધનાથી રિક્ષામાં સુરત રેલવે સ્ટેશન જઈને ત્યાંથી બીજી ટ્રેનમાં અમદાવાદ જશે. ત્યાર બાદ બાયપાસથી આગળ વધીને ટ્રેન ઉધના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર પર ચાર પર ફરીથી ઊભી રાખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારનો હોલ્ટ નથી.