
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હરિપુરા સૌય શેરીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. એક જ પરિવારના પતિ, પત્ની અને તેમના સઘીર પુત્રના મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 40 વર્ષીય ફૈઝ અહેમદ, તેમની પત્ની 36 વર્ષીય મુબીના અહેમદ અને 12 વર્ષીય પુત્ર નોમાન અહેમદ પોતાના નિવાસસ્થાને અચેત હાલતમાં મળી આવ્યા હતા.પરિવારજનો અને પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લાલગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.આ મૃતક પરિવાર મૂળ સુરતનો રહેવાસી હતો અને ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મહત્વની બાબત એ છે કે પરિવાર એક અઠવાડિયા પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને સુરત પરત ફર્યો હતો. યાત્રા બાદ પરિવાર સામાન્ય રીતે જ રહેતો હોવાનું પાડોશીઓ જણાવી રહ્યા છે.

હાલ સુધી આ દુઃખદ ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા છે અને મામલે વધુ તપાસ શરૂ કરી છે.સમગ્ર મામલે પોલીસે ગેસ લીકેજ થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે, આસપાસના લોકો તેમજ સંબંધીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.એકસાથે ત્રણ જીવ ગુમાવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગંભીર શોકનું મોજું ફેલાવી દીધું છે. સ્થાનિકોનું કહેવું છે કે પરિવાર શાંત સ્વભાવનો હતો અને કોઈ ખુલ્લો વિવાદ નજરે પડ્યો નહોતો.ફિલહાલ પોલીસ દ્વારા આ મામલે દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.