SURAT

ઘરમાં ગેસ ગીઝરથી કરૂણ અકસ્માત

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સ્થિત સોય શેરીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરમાં ગેસ ગીઝરમાંથી સંભાવિત ગેસ લીકેજને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોનું અવસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સૈયદ મંજિલમાં ત્રીજા માળે રહેતા ૪૦  વર્ષીય ફૈઝ અહેમદ સૈયદ, તેમની ૩૬  વર્ષીય પત્ની મુબીનાબાનુ અને ૧૨  વર્ષીય પુત્ર નોમાન મંગળવારે સવારે ઘરમાં મૃત હાલતમાં મળ્યા હતા.સ્થાનિક સહીત પરિવારજનોના જણાવ્યા અનુસાર, સોમવાર રાત્રે તેઓ સુવા ગયા હતા.અને સવારે મોટા ભાઈ દ્વારા અનેક વખત ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા તેઓ ઘરે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા ઊભી થઈ હતી. દરવાજો ખોલ્યા બાદ અંદર પરિવારના ત્રણેય સભ્યો નિર્જીવ હાલતમાં જોવા મળતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં લાલગેટ પોલીસ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફોરેન્સિક તબીબના પ્રાથમિક નિવેદન મુજબ, કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણ સર્જાતા મૃત્યુ થયાની સંભાવના છે. શરીરમાં અન્ય કોઈ ઝેરી પદાર્થના અંશ મળ્યા નથી. અંતિમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.પરિવારની પુત્રી ફરીન તે રાત્રે દાદીના ઘરે સુઇ ગયેલી હોવાથી બચી ગઈ હતી. ચાર દિવસ અગાઉ જ પરિવાર સાઉદી અરેબિયામાંથી યાત્રા પૂર્ણ કરીને પરત આવ્યો હતો અને રાત્રે સુધી અન્ય પરિવારજનો સાથે સમય વિતાવ્યો હતો.

હાલ પ્રાથમિક તપાસમાં બાથરૂમની બહાર ગેસ ગીઝર મૂકાયેલું હતું. રાત્રે ગરમ પાણીનો નળ યોગ્ય રીતે બંધ ન થવાથી ગીઝર ચાલુ રહ્યું હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઘરમાં કાર્બન મોનોક્સાઇડ ફેલાયો હોવાની આશંકા છે.એક સાથે પરિવારના ત્રણ સભ્યોના જનાજા નીકળતા વિસ્તારમાં ભારે શોક છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો અંતિમવિધિમાં જોડાયા હતા.આ ઘટનાએ ઘરમાં ગેસ ગીઝર ઉપયોગ કરતી વખતે યોગ્ય વેન્ટિલેશન અને સાવચેતીના મહત્વ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top