કેરળના ત્રિશૂર જિલ્લામાં યોજાયેલા એક પરંપરાગત મંદિર ઉત્સવ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાએ ભક્તિભર્યા માહોલને અચાનક ભય અને અફરાતફરીમાં ફેરવી નાખ્યો હતો. ઉત્સવ દરમિયાન શણગારેલા હાથીએ અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને નજીક ઊભેલા એક યુવાન પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મંદિર સંકુલમાં વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિક લોકો તેમ જ પ્રવાસીઓ ઉપસ્થિત હતા. પરંપરાગત રીતે શણગારેલા હાથીને પણ ઉત્સવનો ભાગ બનાવવામાં આવ્યો હતો. લોકો હાથીને નજીકથી જોવા અને તસવીરો લેવા માટે ભેગા થઈ રહ્યા હતા. વીડિયોમાં એક વ્યક્તિ હાથી પર ચઢવાનો અથવા તેની ખૂબ નજીક જવાનો પ્રયાસ કરતો દેખાય છે. આ દરમિયાન હાથી અચાનક હેબતાઈ ગયો હતો અને આક્રમક બની જતા બાજુમાં નજીક ઊભેલા યુવાનને સૂંઢથી પકડી લઈ ફંગોળીને તેને જોરથી જમીન પર ફેંકી દીધો. આ દૃશ્ય જોઈને હાજર લોકોમાં ચીસો અને ભાગદોડ મચી ગઈ. થોડા સમય માટે ઉત્સવ સ્થળે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા નજરે પડ્યા હતા. ઘટના બાદ મહાવત્સ અને આયોજનકર્તાઓએ ભારે પ્રયત્નો કર્યા બાદ હાથીને કાબૂમાં લીધો. ઘાયલ યુવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેની હાલત ચિંતાજનક છે.
આ બનાવે મંદિર ઉત્સવો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નિષ્ણાંતોના મત મુજબ, કેરળમાં હાથીઓને મંદિર ઉત્સવોમાં સામેલ કરવાની પરંપરા સદીઓ જૂની છે, પરંતુ વધતી ભીડ અને આધુનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કડક સલામતી પગલાં લેવાની જરૂર છે. ભીડ નિયંત્રણ, હાથીઓથી સલામત અંતર જાળવવું, તાલીમપ્રાપ્ત મહાવત્સની સતત દેખરેખ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ લોકોમાં ભય અને રોષ બંને પેદા કર્યા છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવા મોટા ધાર્મિક કાર્યક્રમોમાં પૂરતી સુરક્ષા કેમ સુનિશ્ચિત કરવામાં આવતી નથી. આ ઘટના ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં વધુ સાવચેતી અને જવાબદારીની માંગ ઊભી કરે છે. આ ઘટનાનો વિડીયો અહીં નીચે જુઓ.
https://www.facebook.com/reel/2081053412627027