બારડોલી: બારડોલીના (Bardoli) ધુલિયા ચોકડી ઓવરબ્રિજની નીચે મંગળવારે રાત્રે એક ડમ્પરે (Dumper) કારને (Car) ટક્કર મારતાં લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને ડમ્પરચાલકને મેથીપાક આપી ડમ્પરમાં તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલું ટોળું સમગ્ર રોડને ચક્કાજામ કરી પોલીસને (Police) પણ ઘેરી વળ્યું હતું. જેને કારણે ટ્રાફિક (Traffic) જામની સ્થિતિ સર્જાઈ હતી. અંતે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના કણાઈ ગામે મંદિર ફળિયામાં રહેતા નિકુંજ દિનેશ પટેલ (ઉં.વ.32) ખેતી કામ કરી પરીવારનું જીવન ગુજરાન ચલાવે છે. મંગળવારે સાંજે તેઓ પરિવાર સાથે બારડોલી હોટેલમાં જમવા માટે આવ્યા હતા. જમીને રાત્રે દસ વાગ્યે તેમની હુંડાઇ વેરના કાર નં.(જીજે 19 એએફ 7440) લઈ ઘરે જઇ રહ્યા હતા. એ સમયે બારડોલીથી મહુવા જતાં રોડ પર ધુલિયા ચોકડીના ઓવરબ્રિજ નીચે પૂરઝડપે આવતા એક ડમ્પર ચાલકે કારની જમણી સાઇડે ડીકી તથા લાઇટના ભાગે અથડાવી દીધું હતું. અકસ્માત થતાં જ લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને ડમ્પર ચાલકને મેથીપાક આપી ડમ્પરમાં તોડફોડ કરી હતી. અન્ય ડમ્પર રોકી અને રસ્તો બ્લોક કરી દેતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. લોકટોળાએ પોલીસને પણ ઘેરી લેતાં ભારે બબાલ મચી હતી. દરમિયાન પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. પોલીસ ડમ્પર કલાક મનેશકુમાર રામનરેશ યાદવની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડમ્પર ચાલકો સામે દંડનીય કાર્યવાહી જરૂરી
ડમ્પર ચાલકો દ્વારા આડેધડ ચલાવી અકસ્માતો સર્જવામાં આવતા વિસ્તારના લોકોમાં ભારે રોષ છે. તેમ છતાં પોલીસ અને આરટીઓ તંત્ર ડમ્પર ચાલકો અને તેના માલિકો સામે નતમસ્તક હોય તેમ કોઈ કાર્યવાહી કરતાં ન લોકોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. નાના વાહન ચાલકોને દંડતી પોલીસ આવા ડમ્પર ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તો આવા અકસ્માતો પર કાબૂ આવી શકે એમ છે.