બારડોલી: સુરત (Surat)ના હજીરા પોર્ટ (Hazira Port)થી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે નં.૫3 (National Highway 53) ઉપર આવેલા બારડોલી (Bardoli)ના સુરુચિ વસાહત નજીકના મિંઢોળા બ્રિજ (Mindola Bridge) ઉપર બારડોલીથી પલસાણા જતા માર્ગ ઉપરના બ્રિજ ઉપર ગત ત્રણ દિવસથી મોટું ગાબડું પડી જતાં સ્લેબના સળિયા દેખાવા સાથે મોટા બાકોરામાંથી નીચે વહેતું નદીનું પાણી દેખાવા સાથે સતત વાહનોની અવરજવરથી ઉભરાતાં અગત્યના હાઇવે ઉપર ટ્રાફિકથી યાતાયાતને મોટી અસર પહોંચી છે.
બ્રીજનાં કાણાંમાંથી દેખાઈ રહી છે નદી
ગત વર્ષોમાં આશરે 2015ની સાલમાં બંધાયેલા નાંદીડા ગામની સીમના ઓવરબ્રિજનું આવરદા ખૂટી પડી હોય તેમ અચાનક બ્રિજની વચ્ચોવચ નદીના વહેતા પાણી દેખાય તેવું મોટું ગાબડું પડી જતાં બારડોલીથી પલસાણા તરફ જતા હાઇવેનો માર્ગ ભારે અવઢવમાં મુકાઈ ગયો છે. મીંઢોળા ઓવરબ્રિજ સહિત થોડે દૂર આવેલા નાની ધામડોદ અને એના વચ્ચેના ઓવરબ્રિજ ઉપર પણ સાઈડના ભાગે ભૂતકાળમાં બાકોરા દેખાવા પામ્યા હતા અને માર્ગના પોપડા ઉખડી જેવા સાથે અવારનવાર ટ્રાફિક અવરજવર મુશ્કેલીમાં મુકાઇ હતી. હજીરાથી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કલકાત્તા, ઓરિસ્સા રાજ્ય સાથે સીધું જોડાણ ધરાવતા નેશનલ હાઇવે નં.53ની કામગીરી નબળી જણાતી હોય તેમ અવારનવાર અનેક ઠેકાણે ભંગાણ સર્જાવા છતાં અગમ્ય સંજોગોમાં હાઇવે નિર્માણમાં વપરાયેલા મટિરિયલનો લેબોરેટરી ટેસ્ટ પણ કરાતો નથી મુજબની ચર્ચાઓ ઊઠતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સ્થાનિક અધિકારીઓ ભંગાણના સ્થળે માત્ર રિફલેક્ટર અને રીબીન મૂકી પોતાની ફરજમાં નિષ્ક્રિય ચલાવી રહ્યા છે.
સ્થાનિક હાઇવે ઓથોરિટીના ટેકનિકલ મેનેજરે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા
આ સમગ્ર ઘટના મામલે સ્થાનિક હાઇવે ઓથોરિટીના ટેકનિકલ મેનેજર રાહુલ ઝલાન ભંગાણના રિપેરિંગની જવાબદારી સ્વીકારતા હોવા છતાં મરામત ક્યારે થશે એ બાબતે ચોક્કસ જવાબ આપી ન શકતાં તેમના ઉપરી અધિકારી ઉપર સંપર્ક કરવા જણાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીંઢોળા નદી ઉપરના નાંદીડા ઓવરબ્રિજ ઉપરનો ખાડો મોતનો કૂવો બને એ પહેલાં યુદ્ધના ધોરણે બ્રિજ પર પડેલા મોટા ખાડાની મરામત થાય અને બ્રિજમાં વપરાયેલા મટિરિયલનું લેબોરેટરી ટેસ્ટિંગ થાય એ બાબત અત્યંત જરૂરી બની રહેતાં સ્થાનિક સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત વિવિધ આગેવાનો પણ જાગૃતતા દાખવી ઝડપી કામગીરી કરાવે એ સમયની માંગ છે.