સુરત : રિંગરોડ ખાતે મિલેનિયમ માર્કેટના વેપારી (Trader) પાસેથી દલાલ મારફતે તમિલનાડુના વેપારીએ 12.48 લાખના કાપડનું પેમેન્ટ (Payment) ચુકવ્યું નહોતું. સલાબતપુરા પોલીસે (Police) ઠગાઈની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે ચૈલેસ્ટીયલ ડ્રીમમાં રહેતા 52 વર્ષીય સુરેશકુમાર મનોહરલાલ ચપલોત રિંગરોડ મિલેનિયમ માર્કેટમાં શીપ્રા ડીઝાઇનરના નામે ભાગીદારીમાં કાપડનો વેપાર કરે છે.
વર્ષ 2019 માં રામદેવ ટેક્ષટાઇલ એજન્સીના નામે બેગમપુરા કાપડીયા એપાર્ટમેન્ટ 303 માં કાપડ દલાલીનું કામ કરતા જગદીશભાઇ તમિલનાડુના શાહુકારપેટ મીન્ટ સ્ટ્રીટ ખાતે રંગ મંદિરના નામે કાપડનો વેપાર કરતા રમેશ પુરોહીતને લઈ સુરેશકુમારની દુકાને આવ્યા હતા. અને તેમની સાથે વેપારમાં લાભ થશેનો ભરોસો અપાવી વેપાર શરૂ કર્યો હતો.
સુરેશકુમારે તેમને 4 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર 2019 દરમિયાન કુલ 15.12 લાખનું કાપડ મોકલ્યું હતું. બાદમાં વેપારીને 2.63 લાખનો માલ ખરાબ હોવાનું કહીને પરત મોકલી આપ્યો હતો. બાકી માલના પેમેન્ટ માટે દલાલ અને વેપારીએ વાયદા કરવા માંડ્યા હતા. દલાલે પેમેન્ટની જવાબદારી લીધી હોવા છતા હાથ ઉંચા કરી દીધા હતા. વેપારી રમેશ પુરોહિતે તો પેમેન્ટ ભૂલી જવાનું કહ્યું હતું. અંતે સલાબતપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
35 લાખના હીરાની છેતરપિંડીમાં ફરાર આરોપી જયપુરથી પકડાયો
સુરત : વરાછા ખાતે ૩૫ લાખના હિરાની છેતરપિંડી કરી વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને રાજસ્થાનના જયપુરથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાજસ્થાન જયપુર માનસરોવર પેન્થર હોટ્ન નજીકથી આરોપી કનૈયાલાલ હિરાલાલજી રાવલ (ઉ.વ.૪૩ ધંધો-ડાયમંડનો રહે.મકાન નં-૨૧ જમનાનગર, રોડ નં-૭, થાના.સોડાલા, જી.જયપુર રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. આરોપી વરાછા પો.સ્ટે.માં વોન્ટેડ હતો.
આ ગુનાના ફરીયાદી જગદીશભાઈ દુલાભાઈ કાછડીયા (રહે.૪૬, અનમોલ સોસાયટી સરથાણા સુરત) વરાછા મીનીબજાર રાજહંસ હાઈટ્સ ઓફીસ નં-૭૨૫ માં નારાયણ મુની જેમ્સ નામથી હિરાનો વેપાર કરતા હતા. પકડાયેલો આરોપી તેમની ઓફીસે આવી તેમને વિશ્વાસ અને ભરોસો અપાવી પોતે હિરાનો વેપાર અને દલાલી કરતો હોવાનું જણાવી રૂ.૩૪,૯૪,૪૦૭ના તૈયાર હીરા લઇ જઇ નક્કી કરેલી મુદ્દતમાં પેમેન્ટ ચુકવી દેવાનો ભરોસો આપ્યો હતો. આ હીરા દલાલીથી વેચવા લઈ ગયો હતો. પણ રાતોરાત જયપુરની ઓફીસ બંધ કરી ભાગી જઈ છેતરપીંડી કરી હોવાનો ગુનો નોંધાયો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા આજદિન સુધી નાસતો ફરતો હોય જેથી બાતમીદાર થકી આરોપી વિશે માહિતી મેળવી આરોપીને રાજસ્થાન જયપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.