કેરળના કોટ્ટાયમ જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત બન્યો છે. જ્યાં એક પ્રવાસી બસ પલટી જતાં એક મહિલાનું મોત થયું અને 49 મુસાફરો ઘાયલ થયા. આ અકસ્માત રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે થયો છે. આ અકસ્માત લગભગ 1 વાગ્યાની આસપાસ ચિંકલ્લાલ ચર્ચ નજીક એમસી રોડ પર બન્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલાની ઓળખ સિંધુ તરીકે થઈ છે. જે કન્નુર જિલ્લાના ઇરિટ્ટી તાલુકાના પેરાવુર ગામની રહેવાસી છે. બધા મુસાફરો કન્નુરના ઇરિટ્ટી વિસ્તારના જ હતા અને કન્યાકુમારી તથા તિરુવનંતપુરમની યાત્રા પૂરી કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસ એક વળાંક પર પહોંચી ત્યારે ડ્રાઇવરનો નિયંત્રણ ગુમાવતાં બસ રસ્તેથી ખસી પલટી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર ભારે ભાગ દોડ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક મદદ માટે પહોંચી ગઈ હતી.
બધા 49 મુસાફરોને નજીકની મોનીપ્પલી ખાનગી હોસ્પિટલ અને કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે લગભગ 18 મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે. પરંતુ હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
મૃત મહિલા સિંધુને મોનીપ્પલી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછી પરિવારને સોંપવામાં આવશે.
અકસ્માત બાદ ક્રેનની મદદથી પલટી ગયેલી બસને રસ્તેથી દૂર કરવામાં આવી હતી. જેથી ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય થઈ શકે.
ડ્રાઇવર સામે કેસ નોંધાયો
કુરાવિલંગડુ પોલીસે બસના ડ્રાઇવર વિનોદ વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે. જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુઃખનો માહોલ સર્જ્યો છે. કારણ કે બસમાં મોટાભાગના લોકો પરિવાર સાથેના પ્રવાસ પર હતા.