ગાંધીનગર: રાજયમાં પ્રવાસીઓની (Tourist) સુવિધાઓ વધારવા માટે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર (Gandhinagar) એસટી ડેપો ખાતેથી 151 જેટલી નવી લકઝરી બસોને (Bus) લીલી ઝંડી આપી હતી. આ બસો 53 કરોડના ખર્ચે વસાવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસો પૈકી ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને નવી બસની ચાવી પ્રતીક રૂપે આપીને બસોનું લોકાર્પણ કર્યું હતું. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત એસટી નિગમે રાજયમાં પ્રવાસીઓની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે. આ 1,000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે. આ નવી બસ પૈકી વધુ 151 બસ આજથી પેસેન્જર સર્વિસમાં મૂકવામાં આવી છે. આ બસનું નિર્માણ એસ ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે.
એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 ઇ બસ પ્રવાસીઓની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહિ, 2020માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS06 નોર્મ્સ ધરાવતી 1000 બસ દેશ ભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ ગુજરાત એસ.ટી નિગમને આ અગાઉ મળેલું છે.
ગુજરાત એસટી 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહીત 7966ના કાફલા સાથે રાજ્યની પ્રવાસીઓના પરિવહન સુવિધા માટે કર્તવ્યરત છે.