ગાંધીનગર : રાજ્યમાં પ્રવાસન સુવિધાઓને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દરેક જિલ્લામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી (DTDS)’ રચવાનો નિર્ણય લેવાયો. 11મી ચિંતન શિબિરમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા થયા બાદ હવે સરકારએ તેને અમલી રૂપ આપ્યું છે, જેના કારણે જિલ્લાવાર પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસને ગતિ મળશે.
નવો સેટઅપ જિલ્લા સ્તરે વધુ સશક્ત, વહીવટી અને નાણાકીય રીતે સ્વતંત્ર રીતે કામ કરશે. દરેક જિલ્લામાં વર્ષ દરમિયાન રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સાથે CSR ફંડ, યુઝર ફી તથા અન્ય સ્ત્રોતો દ્વારા વધારાનું ભંડોળ એકત્ર કરવાની સત્તા પણ સોસાયટીને આપવામાં આવશે. કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે, જ્યારે જિલ્લા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રવાસન સંબંધિત સંગઠનોના પ્રતિનિધિઓની ગવર્નિંગ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભાગીદારી રહેશે. સોસાયટી પ્રવાસન સ્થળોની અગ્રતા નક્કી કરશે, વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા કરશે અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત કરશે.
DTDS દ્વારા સ્થળોની બ્યુટીફિકેશન, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, ટોઈલેટ્સ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સાઈનેજ, માહિતી કેન્દ્રો, ગાઈડ ટ્રેનિંગ જેવી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. ઉપરાંત PPP મોડેલ હેઠળ કાફેટેરિયા, સોવેનીયર શોપ્સ જેવી સેવાઓ વિકસાવવામાં આવશે અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર પૂરા પાડવા હસ્તકલા, કોટેજ ઇન્ડસ્ટ્રી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
આ નિર્ણયથી જિલ્લાવાર આયોજન વધુ ઝડપી અને અસરકારક બનશે, પ્રવાસન સેવાઓની ગુણવત્તા વધશે અને વિવિધ સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત બનશે. નાણાકીય–વહીવટી સ્વાયત્તતાથી પ્રોજેક્ટો વધુ પારદર્શક રીતે અને ગતિથી પૂરાં થઈ શકશે. રાજ્યમાં પ્રવાસન સ્થળોનું આધુનિકીકરણ અને વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ વધુ મજબૂત બનશે, જેને કારણે પ્રવાસનમાં વધારો અને સ્થાનિક રોજગારીમાં વૃદ્ધિ થશે.