સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ નશીલા પદાર્થોની દાણચોરી સામે મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. એરપોર્ટ પર વધતી સતર્કતા અને ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન વિમાનમાં છુપાવવામાં આવેલ હાઇડ્રોપોનિક ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે, જેના કારણે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
એરપોર્ટ સૂત્રો પાસે થી મળતી માહિતી અનુસાર તારીખ 9 ફેબ્રુઆરી 2026ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડની ફ્લાઇટ નંબર IX-263ના લેન્ડિંગ બાદ AIU કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા વિમાનની સંપૂર્ણ અને બારીક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેબિનના કેટલાક સીટની નીચે આવેલા લાઇફ જેકેટના પાઉચમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. સીટ નંબર 20Aથી 20F તેમજ 15Fની નીચે ભૂરા રંગની સેલો ટેપથી લપેટાયેલા સાત વેક્યૂમ-પૅક પોલિથિન પેકેટ્સ મળ્યા હતા.આ તમામ પેકેટ્સને તપાસ માટે કબ્જામાં લેવામાં આવ્યા હતા.જેનું કુલ વજન માપતા 3,756.57 ગ્રામ જેટલો જથ્થો હોવાનું સામે આવ્યું. બાદમાં RFSL અધિકારી દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજા એટલે કે મેરિજુઆના હોવાનું સ્પષ્ટ થયું હતું.આ ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતા કસ્ટમ્સ વિભાગે તેને NDPS એક્ટ, 1985 મુજબ કાયદેસર રીતે જપ્ત કરી લીધો છે
આ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ વિમાન મારફતે નશીલા પદાર્થોની દાણચોરી કરવાનો સુયોજિત અને આયોજનબદ્ધ પ્રયાસ હોઈ શકે છે. કોણે આ પેકેટ્સ વિમાનમાં મૂક્યા, કોના માટે મોકલવામાં આવ્યા હતા અને તેના પાછળ કયું નેટવર્ક કામ કરી રહ્યું છે, તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.હાલ કસ્ટમ્સ વિભાગ દ્વારા સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સફળ કાર્યવાહીને કારણે સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ છે અને નશીલા પદાર્થોની દાણચોરી સામે કડક સંદેશો પણ ગયો છે.