દિલ્હી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ (નું આયોજન કરીને ટૂલકિટ કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અને દિશા રવિની ધરપકડ અંગે માહિતી આપી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ ટૂલકિટ ખૂબ જ આયોજિત રીતે તૈયાર કરવામાં આવી છે. આમાં ખેડૂત આંદોલનને કેવી રીતે ટેકો આપવો તે વિશે સંપૂર્ણ જાણકારી હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે દિશાએ વોટ્સએપ ગ્રુપ બનાવી ટૂલકિટ શેર કરી હતી. અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. ટૂલકિટને વૈશ્વિક સ્તરે ફેલાવવાનું કાવતરું કરવામાં આવ્યુ હતું. અને આ ટૂલકીટ સદંતર ખોટી માહિતી પ્રદાન કરે છે.
આ ટૂલકિટ ખાલિસ્તાની સંસ્થાની છે. આ ટૂલકિટ 4 ફેબ્રુઆરીએ બનાવવામાં આવી હતી. આ ટૂલકિટમાં, યોગ અને ચાથી લઈને દૂતાવાસો (EMBASSY)ને નુકસાનની વાત છે. આથી ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાયબર સેલના જોઇન્ટ સી.પી. પ્રેમનાથે કહ્યું કે ટૂલકિટના ઘણા સ્ક્રીનશોટ ખુલ્લા પ્લેટફોર્મ પર હાજર છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. 9 ફેબ્રુઆરીએ, જ્યારે તપાસમાં પૂરતા પુરાવા એકત્રિત થયા હતા ત્યારે કોર્ટમાંથી ટૂલકિટ સંપાદક નિકિતા જેકબ સામે સર્ચ વોરંટ મેળવ્યું હતું. આ પછી એક ટીમ મુંબઇ ગઈ અને તેમની પાસેથી બે લેપટોપ અને એક આઇફોન મેળવ્યો જેની પણ તપાસ ચાલી રહી છે.
કેનેડામાં રહેતી પુનીત નામની મહિલાએ આ લોકોનો ખાલિસ્તાની જૂથ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનમાં પરિચય કરાવ્યો હતો. 11 જાન્યુઆરીએ નિકિતા અને શાંતનુએ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ અભિયાન કેવી રીતે ચલાવવું તેની સાથે ઝૂમ એપ વિડીયો બેઠક યોજી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે દિશા રવિ ગ્રેટા થાનબર્ગને જાણતી હતી, તેથી તેને ગ્રેટાને ટૂલકિટ મોકલવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ દિશાએ ટેલીગ્રામ એપ્લિકેશન દ્વારા ગ્રેટાને ટૂલકિટ મોકલી હતી. પોલીસે એ પણ માહિતી આપી કે ગૂગલે ટૂલકિટને લગતા ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા છે, અન્યને પણ જવાબો જલ્દી મળી જશે.
બીજી તરફ દિશા રવિની નજીકની નિકિતા જેકબ (NIKITA JACOB) ફરાર થઇ ગઈ છે. દિલ્હી પોલીસે નિકિતા જેકબ સામે કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. સ્પેશ્યલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર 11 ફેબ્રુઆરીએ નિકિતા જેકબના ઘરે સ્પેશ્યલ સેલની ટીમ તેને શોધવા માટે ગઈ હતી. તે સાંજનો સમય હતો માટે તેની કઈ ખાસ પૂછપરછ થઈ શકી નહીં. જો કે નિકિતા પાસે દસ્તાવેજ પર સ્પેશ્યલ સેલ દ્વારા સહી કરવામાં આવી હતી કે તે તપાસમાં જોડાશે, પરંતુ તે પછી નિકિતા અંડરગ્રાઉન્ડ થઇ છે.