અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે 400થી વધુ મિલો!
વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ખર્ચના કારણે સૂરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને ડાઈંગ અને પ્રોસેસિંગ યુનિટ્સ માટે હાલની સ્થિતિ અત્યંત પડકારજનક બની ગઈ છે. કોલસા, ગેસ, વીજળી અને કેમિકલ્સના સતત વધતા ભાવોને કારણે ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ સંજોગોમાં સૂરતના 400થી વધુ ડાઈંગ અને પ્રોસેસ હાઉસીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ યુનિટ્સ અઠવાડિયામાં 2 દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે.
આ નિર્ણય સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને હાલની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેસ, વીજળી અને કોલસાના દરોમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયો છે, જ્યારે બજારમાં તૈયાર માલના ભાવમાં તે પ્રમાણે વધારો શક્ય નથી. આથી મિલોને નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ઉપરાંત, પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ યુનિટ્સ માટે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવું હવે શક્ય નથી. ઓર્ડર ઓછા થવા લાગ્યા છે અને નફો ઘટી રહ્યો છે. આથી અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાથી ખર્ચમાં થોડી રાહત મળશે તેવી આશા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં ઉદ્યોગકારો એ ચેતવણી આપી છે કે જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં વધુ કડક પગલાં લેવાઈ શકે છે. હાલ માટે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે.