ટોકિયો: જાપાન (Japan)ની રાજધાની ટોકિયો (Tokyo)ના પશ્ચિમે આવેલા એક નાના શહેરમાં મકાનોની હરોળ પર કાદવિયા પાણી અને કાટમાળ સાથેનો માટીનો મોટો ઢગલો ધસી (Mudslide)પડ્યો હતો. આજે ભારે વરસાદને પગલે બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 19 જણા લાપતા (People missing) બન્યા છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે એક અધિકારીએ જણાવ્યું હતું કે વધુ લોકો, સંભવિતપણે 100 લાપતા હોઇ શકે છે, જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિગતો હજી સ્પષ્ટ નથી.
ગરમ ઝરણાઓ માટે જાણીતા એવા અતામી નામના નગરમાં આ હોનારત બની હતી જેમાં ડઝનબંધ ઘરો દટાઇ ગયા હોવાની શક્યતા છે એક શિઝુઓકાના એક પ્રવકતા તાકામીચી સુગીયામાએ જણાવ્યું હતું. પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેએ લાપતા લોકોની સંખ્યા ૨૦ પર મૂકી છે પણ સુગીયામાએ જણાવ્યું હતું કે 19 લાપતા હોવાને સમર્થન મળ્યું છે, જો કે આંકડો વધી શકે છે. ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 80 મકાનો સંપૂર્ણપણે દટાઇ ગયા છે.
જાપાનમાં આ સપ્તાહની શરૂઆતથી જ તોફાની વરસાદે અનેક ભાગોને ધમરોળ્યા છે. નિષ્ણાતો જણાવે છે કે વરસાદને કારણે માટી ઢીલી થઇ જતાં ભેખડ ધસી પડવાનું જોખમ વધી જાય છે. પહાડો અને ખીણોથી ભરેલા દેશમાં આવું જોખમ વધારે રહે છે. બચાવકાર્યમાં ફાયર ફાઇટરો અને પોલીસની સાથે સેલ્ફ ડિફેન્સ ફોર્સિસ પણ જોડાયા હતા. એક મોટા વિસ્તાર માટે સ્થળાંતરની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. અહીં માટી ધસી પડવાની ઘટના ખૂબ જ ઝડપથી બની હતી. ઘટનાના વીડિયો ફૂટેજ દર્શાવતા હતા કે પહાડી પરથી કાળો કાદવનો ઢગલો ધસી રહ્યો છે અને મકાનોને કચડી રહ્યો છે અને કારોને ધકેલી રહ્યો છે.
બાજુના વિસ્તારમાં રહેતા લોકો ભયથી આ ઘટના જોઇ રહ્યા હતા અને કેટલાક તેનો વીડિયો ઉતારી રહ્યા હતા. એનએચકેના ટીવી ફૂટેજમાં દર્શાવાયું હતું કે એક બ્રીજનો એક ભાગ પણ તૂટી પડ્યો છે.