સુરત: સુરતની (Surat) સ્મીમેર હોસ્પિટલની (Hospital) નફ્ફટાઈ લોકોની સામે ખુલ્લી પડી છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જે માહિતી સામે આવી છે તેનાથી તંત્રએ શરમાવું પડે એમ છે. મળતી માહિતી મુજબ ટેસ્ટ (Test) કરાવવા માટે આવતી મહિલાઓને જયારે યુરિન ટેસ્ટ (Urine test) કરાવવાનું હોય છે ત્યારે તેઓએ સ્ત્રી નહિ પરંતુ પુરુષના ટોયલેટનો (Toilet) ઉપયોગ કરવો પડતો હોય છે. એવું નથી કે હોસ્પિટલમાં સ્ત્રીઓ માટે ટોયલેટ નથી પરંતુ મજબૂરીના કારણે મહિલાઓએ પુરુષો માટે તૈયાર કરવામાં આવેલા ટોયલેટનો ઉપયોગ કરવો પડતો હોય છે. આ હાલાકીનો સામનો મહિલાઓ અમુક દિવસો તેમજ અઠવાડિયાથી નહિ પરંતુ છેલ્લાં બે મહિનાથી કરવો પડી રહ્યો છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં યુરિન ટેસ્ટ માટે આવતી મહિલા દર્દીઓને ફિમેલ ટોઇલેટ હોવા છતાં તંત્રની લાપરવાહી તેમજ મજબુરીથી પુરુષ ટોયલેટમાં જવું પડી રહ્યું છે. આશરે છેલ્લાં 2 મહિનાથી દર્દીઓની ફિમેલ ટોઇલેટ પર બ્લડ કલેક્શન સેન્ટરના સ્ટાફે લોક માર્યુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલના કોમન ફિમેલ ટોયલેટનો ઉપયોગ માત્ર બ્લડ સેન્ટરના સ્ટાફના લોકો જ કરે છે. આ ઉપરાંત દર્દીઓના સગાઓને પણ જ્યાં સુધી મહિલા ટોયલેટની બહાર ન આવે ત્યાં સુધી બહાર રહેવું પડે છે. રોજ અનેકો લોકો તેમજ દર્દીઓ ટેસ્ટ માટે આવતા હોય છે ત્યારે ઝડપી પગલે આ ફિમેલ ટોયલેટ બહાર લગાવવામાં આવેલા મારવામાં આવેલ લોક ખોલવા માટેની માગ કરવામાં આવી છે.
સ્મીમેર હોસ્પિટલમાં બનાવવામાં આવેલા મેલ અને ફિમેલ ટોયલેટની બહાર પણ મેલ અને ફિમેલ ટોયલેટનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારથી ફિમેલ ટોઇલેટ પર સ્ટાફ દ્વારા તાળાં લગાવવામાં આવ્યાં હતા ત્યારથી ફિમેલ ટોઇલેટ પર ફિમેલ
શબ્દ ભૂંસી દેવાયો હોવાની માહિતી પણ સામે આવી હતી.