World

આજનો દિવસ ઈરાન માટે ભારે પડશે: અમેરિકાના સંરક્ષણ મંત્રીની કડક ચેતવણી, યુદ્ધ વચ્ચે તણાવ વધ્યો

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ હુમલો કરવામાં આવી શકે છે. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કડક શબ્દોમાં કહ્યું કે તેમની કાર્યવાહી ઈરાનની શક્તિને નબળી પાડવા માટે છે અને અંતિમ ઉદ્દેશ્ય ઈરાનની સરકારને સત્તાથી દૂર કરવાનો છે, જેથી ઈરાની લોકોને દમનમાંથી મુક્તિ મળી શકે.

યુદ્ધના પગલે ઈરાનના પડોશી દેશોમાં પણ તણાવ વધી ગયો છે. કતરના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ઈરાન તરફથી આવતી એક મિસાઈલને હવાઈ રક્ષા પ્રણાલીએ તોડી પાડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કતરે પોતાના નાગરિકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ જણાવ્યું છે કે સંભવિત હુમલાઓને ધ્યાનમાં રાખીને તેની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય કરી દેવામાં આવી છે. આ વચ્ચે રશિયાએ આ સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી શાંતિ માટેના પ્રસ્તાવો રજૂ કર્યા હોવાનું જણાવાયું છે. જોકે ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું કે રશિયાએ પહેલા યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરવી જોઈએ.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે રશિયા પરિસ્થિતિમાં તણાવ ઘટાડવા માટે પોતાની ક્ષમતા મુજબ મદદ કરવા તૈયાર છે, પરંતુ તે માટે વિવિધ દેશો વચ્ચે સમજૂતીઓ અને કરારો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે રશિયાએ સંઘર્ષની શરૂઆતથી જ મધ્યસ્થી માટે અનેક વિકલ્પો રજૂ કર્યા છે અને તેમાંથી કેટલાક પ્રસ્તાવો હજી વિચારાધીન છે. પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા પીટ હેગસેથે જણાવ્યું કે ઈરાને છેલ્લા 24 કલાકમાં જે મિસાઈલ હુમલા કર્યા છે, તે યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીના સૌથી ઓછા રહ્યા છે. અમેરિકન સેનાના જનરલ ડૈન કેને અનુસાર ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને હવે 11 દિવસ પૂર્ણ થયા છે.

Most Popular

To Top