National

‘આગ પુસ્તકોને બાળી શકે, જ્ઞાનને નહીં’: વડાપ્રધાને નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે 19 જૂનના રોજ બિહારના (Bihar) રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન (Campus Inauguration) કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે આજના દિવસને શિક્ષણ માટે ખૂબ જ ખાસ ગણાવ્યો હતો. કારણ કે એક સમયે ખીલજી દ્વારા બાળીને રાખ કરાયેલી નાલંદા (Nalanda) હવે ફરીથી નવીનીકરણ સાથે દેશને અર્પણ કરાઇ હતી.

નાલંદાના કેમ્પસ ઉદ્ઘાટન સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, વિદેશ મંત્રી એસ જયશંકર અને 17 દેશોના રાજદૂતોએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વાડાપ્રધાને નાલંદા પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે કઇ શકાય કે યુનિવર્સિટીના ઉદ્ઘાટન સાથે બિહાર રાજ્યએ પણ પોતાનો ખોવાયેલો વારસો પાછો મેળવ્યો હતો.

ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાને લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. તેમજ સવારે 10.03 વાગ્યે તેઓ નાલંદા વિદ્યાપીઠના જૂના ખંડેરો જોવા પહોંચ્યા હતા. ત્યાંથી 10.24 મિનિટે રવાના થઇ વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી નાલંદાને દેશને સમર્પિત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

PM મોદીએ ઉદ્ઘાટન પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાલંદા યુનિવર્સિટીની તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે લખ્યું, “આજનો દિવસ આપણા શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ ખાસ છે. આજે સવારે 10:30 વાગ્યે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન થશે. નાલંદાનું આપણા ગૌરવશાળી ઈતિહાસ સાથે ઊંડું જોડાણ છે.” પીએમ મોદીએ શેર કરેલી તસવીરોમાં નાલંદા યુનિવર્સિટીનો ગેટ અને તેનું કેમ્પસ જોઈ શકાય છે.

નાલંદા યુનિવર્સિટી 12મી સદીમાં નષ્ટ થઈ ગઈ હતી
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના પાંચમી સદીમાં થઈ હતી. તે સમયે દુનિયાભરમાંથી લોકો અહીં અભ્યાસ માટે આવતા હતા. આ યુનિવર્સિટીને વિશ્વભરમાં પ્રખ્યાત હતી અને નાલંદાને પ્રદેશના સૌથી મોટા શિક્ષણ કેન્દ્ર તરીકે જોવામાં આવતી હતી. તેમજ નિષ્ણાતોના મતે ખીલજીઓએ 12મી સદીમાં યુનિવર્સિટીનો નાશ કર્યો હતો. આ પહેલા, નાલંદા 800 વર્ષ સુધી વિકસી હતી અને શિક્ષણનું કેન્દ્ર રહી હતી. આવી સ્થિતિમાં નવી યુનિવર્સિટી દ્વારા બિહારનું ગૌરવ ફરી એકવાર પરત ફરવા જઈ રહ્યું છે.

યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય 2017માં શરૂ થયું હતું
નવી યુનિવર્સિટીએ 2014માં 14 વિદ્યાર્થીઓ સાથે અસ્થાયી કેમ્પસમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટીનું બાંધકામ 2017માં શરૂ થયું હતું. તેમજ ભારત ઉપરાંત 17 દેશો પણ આ યુનિવર્સિટીમાં ભાગીદાર છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, બ્રુનેઈ દારુસલામ, કંબોડિયા, ચીન, ઈન્ડોનેશિયા, લાઓસ, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ દેશોએ યુનિવર્સિટીના સમર્થનમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

Most Popular

To Top