નવી દિલ્હી: કોરોના(CORONA)ની સારવારમાં વપરાતા ટોસિલિઝુમાબ (TOCILIZUMAB) ઇન્જેક્શનોનો નવો મર્યાદિત સ્ટૉક (LIMITED STOCK) આખરે દેશમાં આવી ગયો છે અને કેન્દ્ર સરકારે રાજ્યો વચ્ચે વચગાળાની ફાળવણી (DISTRIBUTION) કરી છે.
ફાર્મા જોઇન્ટ સેક્રેટરી નવદીપ રિંવા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડિરેક્ટર રાજીવ વઢવાણે એક પત્રમાં જણાવ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થવાથી માગમાં અચાનક વધારો થતાં આ ઇંજેક્શનો થોડા સપ્તાહો પૂર્વે દેશમાં આઉટ ઑફ સ્ટૉક થઈ ગયા હતા. હવે નવો મર્યાદિત સ્ટૉક આયાત કરાયો છે કેમ કે દેશમાં તે એક માત્ર માર્કેટર કંપની સિપ્લા પાસે જ મળે છે.
કંપની સાથે મસલતો કરીને આરોગ્ય મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્માસ્યુટિકલ્સે રાજ્યોને વચગાળાની ફાળવણી નક્કી કરી છે. ફાળવાયેલ સ્ટૉક રવાના થઈ ગયો છે અને જે તે રાજ્યોમાં સિપ્લાના ડેપોએ મોકલાયો છે, રાજ્યોએ ત્યાંથી સરકારી અને ખાનગી હૉસ્પિટલોને આપવાનો રહેશે. ખાનગી હૉસ્પિટલો માટે કોઇ અલગથી ફાળવણી નથી એમ પત્રમાં જણાવાયું હતું.
પત્રમાં રાજ્યોને સલાહ અપાઇ કે આ મર્યાદિત સ્ટૉકનો વિવેકપૂર્ણ અને સારવારના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ મુજબ ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરવું. ફાળવણી વચગાળાની છે અને ટૂંકમાં સમીક્ષા થશે. આ પત્ર મંગળવારે 27મીએ જેમને આ દવા ફાળવાઇ છે એ રાજ્યોના મુખ્ય સચિવોને મોકલાયો હતો.
પત્ર મુજબ જે રાજ્યોને ટોસિલિઝુમાબના ઇંજેક્શનોની ફાળવણી થઈ છે એ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.