National

દિલ્હીમાં અમિત શાહના કાર્યાલય બહાર TMC સાંસદોનો વિરોધ, અનેક સાંસદોની અટકાયત

પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલા દરોડાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પોલીસે કાર્યવાહી કરી TMCના અનેક સાંસદોની અટકાયત કરી હતી.જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

અટકાયત કરાયેલા સાંસદોમાં રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયન, લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા, શતાબ્દી રોય, સાકેત ગોખલે, કીર્તિ આઝાદ, બાપી હલદર, પ્રતિમા મંડલ અને ડૉ. શર્મિલા સરકારનો સમાવેશ થાય છે.

વિરોધ દરમિયાન પોલીસ અને સાંસદો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સામે આવેલા વીડિયોમાં પોલીસ TMC સાંસદોને બળજબરીથી પોલીસ વાહનમાં બેસાડતી નજરે પડે છે. આ દરમિયાન એક સાંસદ જમીન પર પડી જતા દૃશ્યો પણ સામે આવ્યા હતા.

આ વિરોધ કોલકાતામાં EDના દરોડાના વિરોધમાં યોજાયો હતો. પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે. EDની કાર્યવાહી બાદ રાજ્યમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે.

આ સમગ્ર મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. એક તરફ ED દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ TMC તરફથી પણ અલગ અરજી કરવામાં આવી છે. બંને અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

EDએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પુરાવા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે મમતા બેનર્જીએ ED પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઈશારે કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે મમતા બેનર્જીએ કોલકાતામાં કૂચ યોજવાની જાહેરાત પણ કરી છે.

આ ઘટનાક્રમ બાદ બંગાળથી લઈને દિલ્હી સુધી રાજકીય તણાવ વધ્યો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બને તેવા સંકેતો મળી રહ્યા છે.

Most Popular

To Top