National

‘TMC એટલે તાલિબાની..’ ભાજપા નેતાએ મમતા સરકાર પર લગાવ્યો મોટો આરોપ

પ.બંગાળ: પશ્ચિમ બંગાળમાં (West Bengal) માનવતાને શર્મસાર કરનારો બનાવ બન્યો હતો. અહીં કેટલાક લોકો દ્વારા એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બે લોકો યુવતીને જોરદાર માર મારી રહ્યા છે અને ચાર લોકો યુવતીની ટીંગાટોળી કરી રહ્યા છે. ત્યારે આ ઘટના માટે ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

પશ્ચિમ બંગાળની આ ઘટના બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ઘટના અંગે મમતા સરકારની ટીકા કરી હતી અને પૂછ્યું હતું કે શું રાહુલ ગાંધી અને અન્ય ગઠબંધન નેતાઓ પીડિતાની મુલાકાત લેશે. બીજેપી પ્રવક્તાએ પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કેટલાક લોકો એક યુવતીને મારતા હતા. તેમજ વીડિયોના કેપ્શનમાં શહેઝાદે લખ્યું હતું, “ચોપડા તાલિબાનની મારપીટ બાદ બંગાળનો વધુ એક ભયાનક તાલિબાની વીડિયો.”

ભાજપે શું કહ્યું?
ભાજપે સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘટનાની પોસ્ટ કરતા કહ્યું હતું કે ‘તલતલા ક્લબ, કમરહાટીમાંથી વિડિયો સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારા અહેવાલો છે કે ટીએમસી ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સાથી જયંત સિંહે એક અસહાય યુવતી પર હિંસક હુમલો કર્યો છે. ત્યારે મહિલાઓના અધિકારોના દાવા કરતી મમતા સરકાર દ્વારા આ બર્બર કૃત્ય માનવતા પર શરમજનક ડાઘ છે. આ બાબતની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને ન્યાય સાથે કોઈ પણ સંજોગોમાં બાંધછોડ થવી જોઈએ નહીં.

બેરકપુર પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે બેરકપુર પોલીસે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે યુવતી પરના હુમલા સાથે સંબંધિત એક જૂનો વીડિયો ધ્યાને લેવામાં આવ્યો છે અને સુઓમોટો ફોજદારી કેસ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ વીડિયોમાં દેખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાંથી 2 પહેલાથી જ કસ્ટડીમાં છે.

પશ્ચિમ બંગાળમાં 10 જુલાઈએ પેટાચૂંટણી
પશ્ચિમ બંગાળની માણિકતલા, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બગદાહ બેઠકો ઉપર 10 જુલાઇના રોજ પેટાચૂંટણી થવા જઇ રહી છે. આવી સ્થિતિમાં આવા વીડિયો સામે આવવાથી રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. તેમજ વિપક્ષ પણ ટીએમસી પર નિશાન સાધી રહ્યું છે.

Most Popular

To Top