SURAT

ટિન્ડર એપ નો ટ્રેપ,ચોંકાવનારો કેસ

જાળમાં ફસાયો વેપારી, હોટલમાં મળ્યા બાદ ₹8.85 લાખના દાગીના લૂંટાયા

સુરત શહેરમાં ઓનલાઈન મિત્રતાના નામે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ટિન્ડર એપ્લિકેશન મારફતે મિત્રતા કરી યુવતીએ એક વેપારીને પોતાના જાળમાં ફસાવી હોટલમાં બોલાવીને લાખો રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. આ બનાવ બાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, શાહપુર વિસ્તારમાં રહેતા અને જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીની ટિન્ડર એપ પર એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે સતત વાતચીત શરૂ થઈ અને સંબંધ ધીમે ધીમે નજીક આવ્યો હતો. યુવતીએ વિશ્વાસમાં લઈને વેપારીને હોટલમાં મળવા માટે આમંત્રિત કર્યો હતો.

વેપારી હોટલમાં પહોંચ્યા બાદ યુવતીએ તેમને ઠંડા પીણામાં નશીલો પદાર્થ આપ્યો હોવાની આશંકા છે. પીણું લીધા બાદ વેપારી બેહોશ થઈ ગયા હતા. આ તકનો લાભ લઈ યુવતીએ તેમના શરીર પર પહેરેલા સોનાના ચેઇન, વીંટી સહિત કુલ અંદાજે ₹8.85 લાખના દાગીના ઉતારી ફરાર થઈ ગઈ હતી. બીજા દિવસે સવારમાં વેપારીને ભાન આવ્યું ત્યારે તેમને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. ત્યારબાદ તેમણે પાલ પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ ફરિયાદના આધારે આરોપી યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી યુવતી અગાઉ પણ અન્ય લોકો સાથે આવી રીતે સંપર્કમાં આવી છે અને આવી છેતરપિંડીમાં સંડોવાયેલી હોવાની શક્યતા છે. પોલીસે તેના કોલ રેકોર્ડ અને હોટલના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છે. આ ઘટના બાદ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને પ્રથમ મુલાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ ન કરવો અને વ્યક્તિગત સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ બનાવ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના વધતા ઉપયોગ વચ્ચે વધતી ઠગાઈના જોખમો અંગે ગંભીર ચેતવણી આપે છે.

Most Popular

To Top