શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને મથુરામાં વિશાળ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. તા.16 ઓગસ્ટે લાખો ભક્તો મથુરા પહોંચવાના હોવાથી પોલીસ અને પ્રશાસન દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 3,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે, ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને 15 વોચ ટાવરથી ભીડ પર નજર રાખવામાં આવશે.
એસએસપી શ્લોક કુમારે જણાવ્યું કે સમગ્ર જન્મભૂમિ વિસ્તારને 17 સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, હાથરસ તેમજ પીએસીની નવ કંપનીઓની મદદ લેવામાં આવી છે. જન્મસ્થળ દ્વારની અંદર રેડ ઝોન, દ્વારની બહાર યેલો ઝોન અને રસ્તાઓ પર ગ્રીન ઝોન તરીકે સુરક્ષા સ્તરો નક્કી કરાયા છે.
94 સ્થળોએ બેરિયર્સ અને 18 પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે જેથી ભીડ નિયંત્રણમાં રહે અને ટ્રાફિક જામ ન થાય. મહત્વપૂર્ણ સ્થળોએ 6 ક્રેન તૈનાત રહેશે. વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને તમામ વાહનોને નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ રાખવામાં આવશે.
જોકે ગત રોજ મંગળવારે એડીજી અનુપમ કુલશ્રેષ્ઠ, ડીઆઈજી શૈલેષ કુમાર પાંડે, વિભાગીય કમિશનર શૈલેન્દ્ર કુમાર સિંહ, જિલ્લા મેજિસ્ટ્રેટ સીપી સિંહ, એસએસપી શ્લોક કુમાર અને અન્ય અધિકારીઓએ શ્રી કૃષ્ણ જન્મભૂમિનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થાનો જાતે અવલોકન કરીને તેઓએ સલામતીને લગતા જરૂરી સૂચનો આપ્યા હતા.
સીઓ ટ્રાફિક પ્રીતમ પાલ સિંહે જણાવ્યું કે જન્માષ્ટમીના દિવસે ભારે ભીડ આવવાની સંભાવના હોવાથી રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 94 બેરિયર્સ , 18 પાર્કિંગ સ્થળો અને 2 ખોવાયેલો-મળેલો કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે.
તૈનાત દળની વિગતો:
CO : 20
ઇન્સ્પેક્ટર : 60
સબ ઇન્સ્પેક્ટર : 300
હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ : 1,300
ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર : 350
ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ : 230
મહિલા કોન્સ્ટેબલ : 50
PAC કંપની : 09
RRF કંપની : 02
સુરક્ષા માટે સાદા કપડામાં પુરુષ અને મહિલા પોલીસકર્મીઓ પણ ભીડમાં તૈનાત રહેશે, જે તમામ ગતિવિધિઓ પર નજર રાખીને કંટ્રોલ રૂમને જાણ કરશે. ડ્રોન ટેકનોલોજીથી સમગ્ર વિસ્તારમાં હવાઈ દેખરેખ રહેશે જેથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ તાત્કાલિક પકડાય.
મથુરામાં આવનારા દેશ-વિદેશના ભક્તો માટે આ સુરક્ષા વ્યવસ્થા માત્ર ભીડ નિયંત્રણ માટે જ નહીં પરંતુ સૌના સુરક્ષિત દર્શન માટે પણ અગત્યની છે. પ્રશાસન અને પોલીસ તંત્રએ નિશ્ચિત કરી રહ્યું છે કે જન્માષ્ટમીના પાવન અવસર પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને.