મુંબઈમાં આવતા ચાર દિવસ એટેલે તા.4થી 7 ડિસેમ્બર દરમિયાન દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ નાગરિકોને ચેતવણી આપતા કહ્યું છે કે આ ચાર દિવસ દરિયામાં 5 મીટરથી વધુ ઊંચા મોજાં આવી શકે છે. ખાસ કરીને તા.6 ડિસેમ્બરે મોજાની ઊંચાઈ 5.03 મીટર સુધી પહોંચવાની શક્યતા છે. જેના કારણે દરિયાકાંઠે જવાનું ટાળવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
BMCના ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે ભરતી વિશે વિગતવાર માહિતી જાહેર કરી છે. જેમાં દરિયાની ભરતીનો સમય અને મોજાની અંદાજિત ઊંચાઈનો સમાવેશ થાય છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે આ દિવસોમાં દરિયો વધુ ઉગ્ર બની શકે છે. તેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની જોખમી પ્રવૃત્તિ જેમ કે દરિયા કિનારે ફરવા જવું અથવા ફોટોગ્રાફી કરવા જવું ટાળવું જોઈએ.
મુંબઈ પોલીસ અને BMC બન્નેએ નાગરિકોને સલામતી સૂચનાઓનું પાલન કરવાની કડક સલાહ આપી છે. તેમજ તા 6 ડિસેમ્બરે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ચૈત્યભૂમિ અને શિવાજી પાર્ક ખાતે મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી તેમને વિશેષ સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે.
4–7 ડિસેમ્બર દરમિયાન ભરતીનો સમય અને મોજાની ઊંચાઈ
- 4 ડિસેમ્બર 11:52 PM – 4.96 મીટર
- 5 ડિસેમ્બર 11:30 AM – 4.14 મીટર
- 6 ડિસેમ્બર 12:39 AM – 5.03 મીટર
- 6 ડિસેમ્બર 12:20 PM – 4.17 મીટર
- 7 ડિસેમ્બર 01:27 AM – 5.01 મીટર
- 7 ડિસેમ્બર 01:10 PM – 4.15 મીટર
BMCએ નાગરિકોને વિનંતી કરી છે કે દરિયા કિનારાથી દૂર રહે અને બાળકોને ખાસ દેખરેખ હેઠળ રાખે. મોજાંની ઊંચાઈને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ રહેતી હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.