Gujarat

ટીચકપુરાના કૌભાંડી પાલાએ આદિવાસીઓની અનેક જમીન ખરીદી બાદમાં 73એએનો છેદ ઉડાડી દીધો છે

સુરત, વ્યારા: વ્યારાના ટીચકપુરામાં (Tichakpura) ઔદ્યોગિક હેતુ માટે આદિવાસીની જમીન (Land) લઈને બાદમાં તેના પર કોમર્શિયલ બાંધકામ કરવાની સાથે બાજુમાં ગેરકાયદે દર્શન હોટલ (Hotel) ઊભી કરી દેનાર વ્યારાના સ્ટેશન (Station) પાસેના બાલકૃષ્ણ જ્વેલર્સના પંકજ પાલા અને ઊર્મિલા પાલા દ્વારા એક જ નહીં પરંતુ અનેક જમીનોમાં કૌભાંડ (Scam) કરવામાં આવ્યા છે. પાલા પરિવાર દ્વારા આ જમીન ઉપરાંત આદિવાસીની અનેક જમીનો ખરીદી લઈ તેમાં બારોબાર 73એએની જોગવાઈઓ ઉડાડી દેવામાં આવી છે. કૌભાંડી પાલા પરિવાર દ્વારા તેમને મંજૂરી મળી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે જે તે મંજૂરી જગ્યા 73એએની હોવાનું છુપાવીને લેવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. તાપી જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના અગાઉના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરીને આ મંજૂરીઓ આપી દીધાનું ધીરેધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. પાલાના કૌભાંડમાં આગામી દિવસોમાં સરકાર દ્વારા જ્યારે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે ત્યારે મોટું કૌભાંડ નીકળશે તે સત્ય છે.

કૌભાંડી પંકજ પાલા અને ઊર્મિલા પાલા દ્વારા અગાઉ સાત વર્ષ પહેલા 2015માં ટીચકપુરાની બ્લોક નં.36ની જગ્યા આદિવાસી પાસેથી ખરીદવામાં આવી હતી. આ જગ્યામાત્ર માર્બલ ઉદ્યોગ શરૂ કરવા માટે ખરીદાઈ હતી.આ ઉપરાંત બ્લોક નં.28ની જગ્યા પણ બિનઆદિવાસી પાસેથી ખરીદવામાં આવી હતી પરંતુ જેની પાસેથી જગ્યા ખરીદી તેણે જગ્યા આદિવાસી પાસેથી ખરીદી હોવાથી આ જગ્યાને 73એએની જોગવાઈઓ લાગુ પડી રહી છે. પાલા દ્વારા આ ઉપરાંત પણ વ્યારા અને આસપાસના વિસ્તારોમાં અનેક જમીનો ખરીદવામાં આવી છે. આમાંથી મોટાભાગની જગ્યા આદિવાસીઓની છે. આદિવાસીઓને સામાન્ય રકમ આપીને આ જગ્યા ખરીદી લીધા બાદ અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને કાગળીયા પરથી 73એએનો ઉલ્લેખ કાઢી નાખ્યો હતો. આ તમામ જગ્યાઓ 73એએની કલમની નિયંત્રિત સત્તાપ્રકારની છે. છતાં પણ વેચાણ દસ્તાવેજ થયા બાદની મંજૂરીઓમાં 73એએનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે.

73એએની જોગવાઈઓ પ્રમાણે જો શરતભંગ થાય તો જે તે જગ્યા સરકાર હસ્તક થઈ જાય છે. આ ઉપરાંત ખરીદનારને દંડની પણ જોગવાઈઓ છે ત્યારે તાપી કલેકટરે બ્લોક નં.28 અને 36 ઉપરાંત પાલા પરિવાર દ્વારા જેટલી પણ અન્ય જગ્યાઓ આદિવાસી પાસેથી ખરીદવામાં આવી છે તેની તપાસ કરાવવી જરૂરી છે. ટીચકપુરાના કૌભાંડનો મામલો છેક મહેસૂલ મંત્રી સુધી પહોંચી ચૂક્યો છે ત્યારે જે અધિકારીઓ દ્વારા આ કૌભાંડને છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે તે ભેરવાશે તે નક્કી છે. એવું જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સરકાર દ્વારા તાપી જિલ્લામાં આદિવાસીઓની જમીનોમાં થયેલા કોઠા-કબાડાના મામલે તપાસના આદેશો કરવામાં આવી શકે છે.

જ્યારે ખરીદવામાં આવી ત્યારે તેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, આ જગ્યા 73એએની નિયંત્રિત સત્તાપ્રકારની જગ્યા છે પરંતુ બાદમાં જેટલા પણ સરકારી કાગળીયા કરવામાં આવ્યા તેમાં અધિકારીઓ સાથેના મેળાપીપણામાં આ જગ્યા 73એએની છે તેવી વિગતો સિફતપૂર્વક છુપાવી દેવામાં આવી અને બાદમાં ભ્રષ્ટાચાર આચરીને આ જગ્યા પર બોગસ મંજૂરીઓ પણ અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવી. આ બોગસ મંજૂરીઓના કૌભાંડમાં વ્યારા જિલ્લા પંચાયતના તત્કાલિક ડીડીઓથી માંડીને તલાટી સુધીના તમામ સંડોવાયેલા છે. આટલું જ નહીં, તાપી જિલ્લા કલેકટર કચેરીના તત્કાલિન પ્રાંત અધિકારીની સાથેના રેવન્યુના અધિકારીઓની પણ સંડોવણી આ કૌભાંડમાં છે. કારણ કે તમામ અધિકારીઓએ આપેલી મંજૂરીઓમાં આ જગ્યા 73એએની નિયંત્રિત મંજૂરી માટેની જ છે તે વાત કાગળો પર છુપાવી દીધી હતી.

કૌભાંડ પંકજ પાલાએ જિલ્લા પંચાયત અને ટીચકપુરા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી અને સરપંચ સાથે મળી જઈને જગ્યા પર શેડની મંજૂરી લઈ આખી ગેરકાયદે હોટલ પણ ઉભી કરી દીધી હતી. હોટલ ઉભી કરવાની સાથે પંકજ પાલાએ હોટલ ભાડે આપતો નોટરાઈઝ્ડ કરાર પણ કર્યો હતો. આ કરારમાં જ્યારે ખુદ પંકજ પાલાએ એવું સ્વીકારી લીધું છે કે, તેણે આદિવાસીની જગ્યા પર શોપિંગ કોમ્પ્લેક્ષ બાંધ્યું છે ત્યારે હવે અધિકારીઓ શા માટે તેને છાવરી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. આવો બોગસ ભાડા કરાર કરવા બદલ પંકજ અને ઉર્મિલા પાલા સામે ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ કલેકટર તેમજ પંચાયતના અધિકારીઓની બને છે. કલેકટરની તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કલેકટરને આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે કલેકટર દ્વારા કયું વલણ લેવામાં આવે છે તે જોવું રહ્યું

Most Popular

To Top