Columns

‘આમ’ આમ નહીં ‘ખાસ’ બની ગઈ!

ભારતમાં કોઈ પણ ફળ કેરી જેટલું સાર્વત્રિક રીતે પ્રિય અને આતુરતાપૂર્વક રાહ જોવડાવતું નથી. કેરી  દર વર્ષે એક નાનકડી સિઝન લઈને આવે અને ઉનાળાના લાંબા દિવસોને મધુર બનાવે છે. કોઈને પણ તમે પૂછશો કે ઉનાળાની ઋતુ તમને ગમે તો જવાબ હશે – ના. પણ ફળ વિશે પૂછશો તો એ એવું કહેશે – હા, ઉનાળો ગમે કારણ કે ઉનાળો આવશે તો જ કેરી ખાવા મળશે ને? કેરીનાં જાતજાતનાં અથાણાં બને છે. કેરીનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરવામાં આવે છે. કેરીનું તાજું પીણું બનાવવામાં આવે છે. કેરીનો આઈસ્ક્રીમ બને છે. નિષ્ણાતો ભારતની ડઝનેક જાતોમાંથી કઈ – અલગ સ્વાદ, રંગ અને રચના સાથે – શ્રેષ્ઠ છે અને ફળ ખાવાની સાચી રીત વિશે અનેક ચર્ચાઓ કલાકો સુધી કરી શકે એટલો ખજાનો છે.

કેરી કોને ન ભાવે? કેરીના રસિયાઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. આ વખતે તમે જોયેલી રાહ થોડી ‘મોંઘી’ પડવાની છે. વાસ્તવમાં હવામાનમાં આવેલા ફેરફારને કારણે દેશભરમાં કેરીના ઉત્પાદન અને ગુણવત્તામાં ધરખમ ઘટાડો થયો છે. ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે ફળોના રાજાના ભાવમાં અધધધ… 60%નો ઉછાળો જોવામાં આવ્યો છે. જો કે કૃષિ વૈજ્ઞાનિકોનું તો કહેવું છે કે વધતા તાપમાન, ઓછો વરસાદ અને જળ-વાયુ પરિવર્તનને કારણે છેલ્લા એક વર્ષમાં કેરીના પાકના ઉત્પાદનમાં ધરખમ 30 %નો ઘટાડો થયો છે! તેમણે વધુમાં કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં ઉત્પાદનમાં 25 થી 30 %નો વધુ ઘટાડો થવાની સંભાવના છે. મતલબ કે અગાઉ કરતાં કેરીનું ઉત્પાદન આગામી વર્ષોમાં અડધોઅડધ થઈ જશે! એક જમાનામાં કેરી માટે વખણાતો આપણો દેશ આ ગર્વ લઈ શકશે નહીં! આમ ને આમ ચાલ્યું તો કેરી માત્ર ને માત્ર ધનપતિઓનું ફળ બની જશે!

ક્લાઈમેટ ચેન્જ ઉપરાંત આ વર્ષે કેરીના ઉત્પાદનને પ્રભાવિત કરનારાં અન્ય પરિબળોમાં જંતુઓના હુમલા અને ચક્રવાત ‘તોકતે’નો સમાવેશ થાય છે. ગયા વર્ષે મે મહિનામાં આ ચક્રવાતે પશ્ચિમ કિનારાનાં રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી. કેરીનો પાક લેતા ખેડૂતોનું કહેવું છે કે ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા કેરી ઉગાડતાં રાજ્યોના કેટલાક અંદાજો મુજબ આ વર્ષે ઉપજ તેમની સામાન્ય ઉત્પાદન ક્ષમતાના 20% થઈ ગઈ છે! મહારાષ્ટ્રમાં ટૂંકી પરંતુ સફળ સિઝન જોવા મળી છે પરંતુ કેરીની ગુણવત્તામાં કોમ્પ્રોમાઈઝ કરવું પડ્યું છે.

તાજા શાકભાજી અને ફળોની નિકાસને પ્રોત્સાહન આપતી સરકારી એજન્સી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, ભારત વાર્ષિક આશરે 15.03 મિલિયન ટન કેરીનું ઉત્પાદન કરે છે. દેશના મુખ્ય કેરી ઉત્પાદક રાજ્યોમાં ઉત્તરપ્રદેશ (23.86%), આંધ્રપ્રદેશ (22.14 %), કર્ણાટક (11.71 %), બિહાર (8.79 %), ગુજરાત (6 %) અને તમિલનાડુ (5.09 %) છે. ભારત કેરીનો મુખ્ય નિકાસકાર દેશ પણ છે, જે વિશ્વના કુલ ઉત્પાદનમાં 40.48 % છે. ડેટા અનુસાર ભારતે 2020-21માં રૂ. 271 કરોડથી વધુની 21,000 મેટ્રિક ટન તાજી કેરીની નિકાસ કરી હતી.

સામાન્ય રીતે કેરીનું વાવેતર વરસાદ આધારિત વિસ્તારોમાં જુલાઈ-ઓગસ્ટમાં અને પિયત વિસ્તારોમાં ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવે છે. ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં વાવેતર વરસાદની મોસમના અંતે કરવામાં આવે છે. ગુજરાતમાં કેરીના બગીચા ધરાવતા માલિકોનું કહેવું છે કે કેસર કેરી માટે આ બે દાયકામાં આ વર્ષ સૌથી ખરાબ રહ્યું છે. કેસરનો પાક મુખ્યત્વે જુનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં થાય છે. 26 એપ્રિલથી સ્થાનિક મંડીઓમાં કેરીની હરાજી ચાલુ છે. સિઝનની શરૂઆત સામાન્ય રીતે દરરોજ આશરે 40,000-60,000 કેરીના બોક્સના આગમન સાથે થતી હતી પરંતુ આ વર્ષે ઉનાળાના આકરા દિવસોમાં માત્ર 5,000 બોક્સ જ આવી રહ્યા છે!

વધુમાં આ લોકોનું કહેવું છે કે હરાજીના પહેલા દિવસે માત્ર 3,850 કેરીના બોક્સ મળ્યા હતા! જે ગત વર્ષોમાં સૌથી નિરાશાજનક રહ્યું છે. આવું ક્યારેય થયું નથી. એક બોક્સનું વજન 10 Kg.  છે અને આ વર્ષે તેની કિંમત 1,100 રૂપિયાથી લઈને 1,450 રૂપિયા પ્રતિ બોક્સ છે. ગયા વર્ષ સુધી અમે આ બોક્સ 400-600 રૂપિયામાં વેચતા હતા. ભારતમાંથી નિકાસ થતી કેરીમાં કેસરનો હિસ્સો 25 % છે. કેસર પર ચક્રવાત તાઉતેની અસર હજુ પણ છે. ગયા વર્ષે ચક્રવાતમાં તલાળા-ગીર પટ્ટા સહિત આંબાના 70 % જેટલાં વૃક્ષો નાશ પામ્યાં હતાં. આ વર્ષે બાકી રહેલાં વૃક્ષોએ માત્ર 20% જેટલું જ ઓછું ઉત્પાદન આપ્યું છે.

બિહારના ભાગલપુરમાં 12 એકર કેરીના ખેતરમાં લહેરાતા પાકને આ વર્ષે વધુ તાપમાન અને જંતુઓના ડબલ અટેકનો સામનો કરવો પડ્યો છે. અહીંના ખેડૂતોનું કહેવું છે કે ઝાડ પર જીવાતોનો હુમલો એવા સમયે આવે છે, જ્યારે ખેડૂતો સામાન્ય રીતે ઝાડમાંથી ફળો તોડી નાખે છે. આવા સમયે જંતુનાશકોનો ઉપયોગ પણ કરી શકાતો નથી. આ વર્ષે બિહારમાં દશેરી કેરીની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે 100 આંબાનાં વૃક્ષો સામે માત્ર 10-12 આંબાએ ફળ આપ્યાં છે! પરિણામે કેરીના ભાવમાં આશરે 60%નો તોતિંગ વધારો થવાની ધારણા છે. નવી મુંબઈના વાશીમાં APMC જથ્થાબંધ બજારના એક વેપારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની ફરિયાદો છે કે ફળની માખીઓ તેમના ઉત્પાદનને બગાડે છે. અંદરથી સડેલી કેરીઓની સંખ્યામાં 20%નો વધારો થયો છે. તેમના રિપ્લેસમેન્ટ ખર્ચે બોક્સદીઠ ઉત્પાદનની અંતિમ કિંમતમાં વધારો કર્યો છે.

બિહાર કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર અને મુખ્ય વૈજ્ઞાનિક એમ. ફૈઝા અહેમદનું જણાવવું છે કે આ વર્ષે આબોહવા પરિવર્તનની અસર તેની ટોચ પર છે. જ્યારે ઝાડ પર ફૂલો હતાં ત્યારે હવામાન ખૂબ ઠંડું હતું. જ્યારે ઝાડ પર ફળ આવવાનો સમય આવ્યો ત્યારે લગભગ બે અઠવાડિયાં સુધી હવામાનમાં પલટો આવ્યો! અચાનક ખૂબ જ ગરમ હવામાનને કારણે કેરીઓ વધુ પાક્યા પછી ઝાડ પરથી પડવા લાગી. આ તમામ પરિબળોએ પાકના ઉત્પાદનને અસર કરી અને તેમાં 30% નો ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ચમાં જ હવામાન ખૂબ જ ગરમ થઈ ગયું હતું. પરિણામે કેરીના ઝાડ પર લાલ પટ્ટાવાળી કેટરપિલર નામની જીવાતનો હુમલો થયો હતો. તેનાથી બાકીનાં ફળો પર અસર થઈ અને તે પણ ઝાડ પરથી પડવા લાગ્યાં હતાં.

ઉત્તર પ્રદેશના કેરીના ખેડૂત અને ભારતના મેંગો ગ્રોવર્સ એસોસિયેશનનાં સૂત્રોએ કેરીના ઉત્પાદનમાં ઘટાડા માટે બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે બજારમાં નકલી જંતુનાશકો મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકમાં વધુ પ્રમાણમાં રસાયણોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. કેરીના ઉત્પાદન માટે આપણને વધુ કૃષિ નિષ્ણાતોની જરૂર છે. UPમાં ગયા વર્ષે લગભગ 40 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું, ત્યારે આ વર્ષે 10-12 લાખ મેટ્રિક ટનની પણ અપેક્ષા રાખવામાં નથી આવી રહી! વેપારીઓના મતે કેરીના વેચાણ પર ચક્રવાત તોકતેને કારણે અંદાજિત રૂ. 500 કરોડથી વધુનું નુકસાન થયું છે! આ નુકસાન કોવિડ-19 લોકડાઉન દરમિયાન માગમાં ઘટાડાને કારણે થયેલા નુકસાનથી ક્યાંય વધારે છે! આ વર્ષે કેરીના વેપારીઓ અને નિકાસકારોની હાલત કફોડી બની રહી હોય તેવું લાગી રહ્યું છે.

મેંગો ગ્રોવર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે માલદા અને જર્દાલુ જેવી લોકપ્રિય કેરીની જાતોના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ 20-30 પ્રતિ કિલો હતા, જે આ વર્ષે વધીને રૂ 30-40 થવાની ધારણા છે. આનો અર્થ એ છે કે જ્યારે કેરી આખરે ગ્રાહક સુધી પહોંચે છે, ત્યારે તેની કિંમત પ્રતિ કિલો રૂ.100 કરતાં વધુ હશે. ઘણા નિકાસકારો ખેતરોમાં સીધું રોકાણ કરે છે પરંતુ આ વર્ષે વૃક્ષોને ફળ ન આવવાના કારણે લાખોનું રોકાણ ગુમાવ્યું છે. જો કે જૂનથી કેરીની નિકાસ શરૂ થશે. પરંતુ આ વર્ષે તેના ભાવમાં 20 %નો વધારો થવાની શક્યતા છે.

Most Popular

To Top