Columns

પર્યાવરણને નાખો વખારે!! વિકાસ કોના અને શેના ભોગે?

માલયના ઢાળ પર 1874 મીટર ઉઊંચાઇ પર આવેલા જોશીમઠની વલે થવા બેઠી છે. આ શહેર ડૂબી રહ્યું છે, ફસડાઇ રહ્યું છે અને વાત માત્ર આ શહેરની નથી પણ આસપાસની બીજી વસ્તીઓ પણ જોખમમાં છે. રોજે રોજ લોકોને ખસેડવાની ખબરો અને લોકોને માટે સલામત સ્થળ શોધવાની સરકારી ભાંજગડની વાતો સામે આવતી રહે છે. આ આફત માનવ સર્જિત છે અને હજી તો તેની શરૂઆત થઇ છે. પહેલાં આપણે જંગલોનો દાટ વાળ્યો, હજી પણ એ તો ચાલી જ રહ્યું છે અને એને આપણે રૂપકડું નામ આપ્યું વિકાસ – “ડેવલપમેન્ટ”– આ કારણે માણસો અને વન્ય સૃષ્ટિ વચ્ચે સંઘર્ષના બનાવો થતા રહે છે.

આપણને – માણસ જાતને બસ બધું જોઇએ છે, માલિકી કરી લેવી છે જે મળે ત્યાં, જગ્યા જોઇએ છે. મહાનગર મુંબઈ પણ દર વર્ષે 2 મિલીમીટર જેટલું દરિયામાં ડૂબી રહ્યું છે એવું સંશોધન થઇ ચૂક્યું છે. 2050 સુધીમાં મુંબઇ આખે આખું ડૂબી જાય તેવી વકી છે, ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વિશ્વના જે 12 શહેરો ડૂબી જાય તેવી શક્યતા છે તેમાં દક્ષિણ મુંબઈના હિસ્સાઓ પણ છે જે અરબી સમુદ્રમાં ગરકાવ થઇ જશે. વિકાસને નામે આપણે જંગલો, દરિયા, નદીઓ અને પહાડો પર વર્ચસ્વ જમાવ્યું, એમ માનીને કે આપણને વળી કોણ સવાલ કરશે?

આજે માણસો જ હેરાન થઇ રહ્યા છે પણ જે માણસો થકી જ થઇ છે એ ભૂલ પર નજર કરી તેને સ્વીકારીને ધરમૂળથી પરિવર્તન કરવાની દિશામાં હજી કોઇ નક્કર પગલાં લેવાતા હોય એવું લાગતું નથી. પ્રકૃતિ હવે જવાબ માગે છે – ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નીકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી. 

જોશીમઠમાં જે હાલ થયા એની પાછળ અવગણના એક મોટું કારણ છે. અવગણના આ હકીકતોની – હિમાલય વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા છે એટલે તેના ઢાળમાં સ્થિરતા ન હોય, તે ઢીલા માટી પર ઘડાયેલા હોય એટલે ત્યાં ભેખડો ધસી પડવાની ઘટના સામાન્ય છે, વળી આ પ્રદેશને જ્યાં ધરતીકંપ વારંવાર થઇ શકે તેવો સંવેદનશીલ જાહેર કરાયો છે. આ તો નજર સામેની હકીકતો છે પણ પછી પર્યાવરણમાં આવતા નકારાત્મક પરિવર્તનો જેવા કે કમોસમી વરસાદ વગેરે પણ અણધારી બનતી ઘટનાઓ છે.

મૂળે આ એવો પ્રદેશ છે જે બહુ સંવેદનશીલ છે અને આ વાત જગજાહેર છે પણ છતાં પણ વિકાસને નામે અંધાધૂંધ બાંધકામ આપણને ચાલે છે. હા, આ પ્રદેશમાં પણ રસ્તા,ગટર વ્યવસ્થા,રહેઠાણો હોવા જોઇએ પણ તેમાં પ્લાનિંગને નામે બિનશરતી કામ થાય છે તે શા માટે થવું જોઇએ? શું બંધ બાંધવામાં બાહોશ એન્જિનીયર્સને એ દેખાશે જ નહીં કે 520 મેગાવોટ તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટ પણ જોશીમઠની આ હાલતનું કારણ છે? 2021થી આજ સુધી આ જ વિસ્તારમાં ફ્લેશ ફ્લડ્ઝ આવ્યાં, ભેખડો ધસી પડવાના બનાવો થયા જેને કારણે ઋષિગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ ધોવાઇ ગયો અને 200 જણનાં જીવ પણ ગયાં.

જેટલી પણ કુદરતી આફતો આવે છે તેમાં સીધો સંદેશ છે કે પ્રકૃતિનો–દરિયા, પહાડો, નદીઓ, જંગલો–તમામનો આદર કરતાં શીખો. તમે બોગદાં બાંધો, રોડ બાંધો અને ઘર ખડા કરી દો તે પહેલાં પ્રકૃતિની ક્ષમતા, તેની સગવડ, તેને થનારા નુકસાનની પણ ગણતરી કરો. આ વિસ્તારની નદીઓમાં એટલી તાકાત છે કે તે એનર્જી પેદા કરી શકે, એની ના જ નથી પણ આપણે પેલી કહેવત પણ તો યાદ રાખવી પડે, “મીઠાં ઝાડનાં મૂળિયાં ન કપાય”, કેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનો બોજ આ નદી પર નાખવો જોઇએ – આ પ્રોજેક્ટ ખડા કરવાથી થતું નુકસાન ઓછામાં ઓછું હોય એવી રીતે પ્લાનિંગ થઇ શકશે ખરું?કોઇપણ પ્રદેશની સંવેદનશીલતા પ્રત્યે વિકાસ લક્ષી નેતૃત્વ અને કામ કરનારા એન્જિનિયરિંગ કોર્પોરેશન ક્યાં સુધી આંખ આડા કાન કરશે? વસાહતો અને શહેરો ધસી જવા માંડે, ડૂબી જવા માંડે ત્યાં સુધી?

સરકારી સમિતિમાં ગંગા અને એના પ્રવાહોને કાબૂમાં કરવાની વાતો થઇ હોવાનું તે સમિતિનો હિસ્સો રહી ચૂકેલા પર્યાવરણવાદીઓએ નોંધ્યું છે. નદીના વહેણ પ્રમાણે પ્રોજેક્ટ ન બને પણ પ્રોજેક્ટ માટે નદીનું વહેણ બદલી નાખવાની વાત થાય–આ કેટલું તાર્કિક છે? ક્લીન એનર્જીની લ્હાયમાં આપણે કુદરતી મર્યાદાઓ ભૂલી જઇને તે પ્રદેશની બાયોડાઇવર્સિટીને જોખમમાં મૂકી રહ્યા છીએ. ઉત્તરાખંડે 2021 અને 2022માં તારાજી જોઇ છે, હજી કેટલી એવી દુર્ઘટનાઓ આપણે થવા દેવી જોઇએ? વળી આપણે આ નુકસાન હમણાં જ વેઠ્યા છે એમ નથી, 2013માં કેદારનાથની ઘટનામાં ગ્લેશિયર ડિઝાસ્ટરમાં 1000એ જીવ ગુમાવ્યો હતો.

આ તો જોશીમઠની વાત છે પણ મુંબઈ પર થયેલું સંશોધન પણ એક નકારી ન શકાય એવી હકીકત છે, તો ઝારખંડના ઝારિયામાં કોલસાની ખાણોમાં જે રીતે આડેધડ કામ થાય છે તેના કારણે પણ જંગલનો સફાયો, ભૂગર્ભ જળની ગુણવત્તા પર અસર–હવા અને જમીનના પ્રદુષણના પ્રશ્નો, મહાકાય ઢગલાઓને કારણે જમીનનું ધોવાણ, કોલસાની રાખના થર, કોલસાના ઢગલા જેવી સમસ્યાઓ થાય છે જે માણસજાત અને પ્રાણી જીવનની સુરક્ષા ખોરવી રહી છે. જ્યાં અધધધ કોલસો છે એવા ઝારખંડમાં સ્કૂલ કે હૉસ્પિટલમાં વિજળીના વાંધા છે. આપણો આધાર કોલસાથી મળતી ઊર્જા પર જ છે અને રિન્યુએબલ એનર્જીની વાતો કરનારા કોલસાની કામગીરીને બંધ કરી દેવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી.

બીજી તરફ દર વર્ષે પૂરમાં હેરાન થનારું આસામ છે જ્યાં સાથે પ્રાણી અને માનવ જાત વચ્ચેનો સંઘર્ષ પણ સપાટી પર તરી આવે છે. રિન્યુએબલ એનર્જીની વાત થાય ત્યારે એ પણ ગણતરીમાં લેવું પડે કે જ્યારથી ભાજપાની સત્તા આવી છે ત્યારથી સમાજવાદી રાષ્ટ્ર ગણાતા આપણા દેશમાં રિન્યુએબલ એનર્જીમાં રોકાણો બમણાં થયાં છે પણ આ બધા રોકાણ ખાનગી કંપનીઓએ કરેલાં છે. રિન્યુએબલ એનર્જીનું ખાનગીકરણ જે રીતે થઇ રહ્યું છે એ જોતાં આમ જનતાના ગજવા પર એનો ઝટકો કેવો હશે એની તો કલ્પના જ કરવી રહી.

Most Popular

To Top