Gujarat

ગુજરાતમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય, ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન અચાનક પલટાતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ , સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. કેટલાક સ્થળોએ વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં ઉભા ન રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી દિવસો માટે તાપમાન અંગે પણ અંદાજ આપ્યો છે. આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. લઘુત્તમ તાપમાનમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રીનો ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. 19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આથી નાગરિકોને કમોસમી વરસાદથી રાહત મળશે. છતાં પણ હાલની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઢાંકી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ કમોસમી વરસાદના વાવડથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હાલમાં ઘઉં, જીરૂ અને રાયડાના રવિ પાક તૈયાર છે. આવા સમયે વરસાદ પડવાથી પાક પલળી જવાની અને તેની ગુણવત્તા બગડવાનો ડર પણ સતાવી રહ્યો છે. ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી કૃષિ નિષ્ણાતો સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે. હાલ રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ, એમ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય છે. આ કારણે વાતાવરણ અસ્થિર બન્યું છે અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવનોની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top