National

રાજસ્થાનમાં ખાટુ શ્યામ જતી બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ યાત્રાળુઓના મોત, 28 ઘાયલ

રાજસ્થાનના સીકર જિલ્લામાં મંગળવાર રાત્રે એક ભયાનક રોડ અકસ્માત બન્યો હતો. અકસ્માતમાં ખાટુ શ્યામના દર્શન માટે જઈ રહેલી 50 યાત્રાળુઓથી ભરેલી સ્લીપર બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ મુસાફરોના મોત થયા અને 28 લોકો ઘાયલ થયા. તમામ યાત્રાળુઓ વૈષ્ણો દેવીની યાત્રાથી પરત આવી રહ્યા હતા અને ખાટુ શ્યામના દર્શન માટે આગળ જઈ રહ્યાં હતા.

અકસ્માત જયપુર–બિકાનેર હાઇવે પર રાત્રે લગભગ 11 વાગ્યે બન્યો હતો. ફતેહપુર નજીક બસ ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણ મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ પર દોડી આવી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઘાયલોમાંથી સાતની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલ યાત્રાળુઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું સારવાર કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

ફતેહપુરના SHO મહેન્દ્ર કુમારે જણાવ્યું કે બસમાં લગભગ 50 યાત્રાળુઓ સવાર હતા. “દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને 28 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં સાત મુસાફરોની હાલત ગંભીર છે”. પોલીસએ કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને ટ્રક ડ્રાઈવર તેમજ અન્ય પરિસ્થિતિઓ વિશે માહિતી એકત્ર કરી રહી છે.

પોલીસનું માનવું છે કે અથડામણ આગળથી થઈ હોવાથી બસના આગળના ભાગે ભારે નુકસાન થયું છે. અકસ્માત સમયે બસ સામાન્ય ઝડપે ચાલી રહી હતી કે ઓવરસ્પીડિંગ થયું હતું તે અંગે હજુ તપાસ ચાલુ છે.

અકસ્માત પછી હાઇવે પર થોડોક સમય ટ્રાફિક પણ અસરગ્રસ્ત થયો હતો પરંતુ પોલીસએ થોડા સમયમાં જ માર્ગ ખુલ્લો કરી દીધો હતો.

Most Popular

To Top