Gujarat

સાડા ત્રણ માસની કવાયત પૂર્ણ: ગુજરાતમાં 4.40 કરોડ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

ગાંધીનગર,
કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના મુજબ તા. 01-01-2026ની લાયકાતની તારીખના આધારે ગુજરાતમાં હાથ ધરાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની સાડા ત્રણ માસ ચાલેલી વ્યાપક પ્રક્રિયા પૂર્ણ થતાં આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી યાદી મુજબ રાજ્યમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયા છે.

મુસદ્દા મતદાર યાદી 19 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થયા બાદ 30 જાન્યુઆરી 2026 સુધી હક્ક-વાંધા-દાવાઓ સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમામ વાંધાઓની સત્યતા ચકાસી નિકાલ કરવામાં આવ્યો હતો. મુસદ્દા યાદી બાદ આખરી યાદીમાં 5.60 લાખ મતદારોનો નેટ વધારો (Net Addition) નોંધાયો છે.
મુખ્ય નિર્વાચન અધિકારી ભારતીત શુક્લાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો, ચૂંટણી તંત્ર, રાજકીય પક્ષો અને મીડિયા સહિત તમામના સહયોગથી આ ઝુંબેશ સફળ બની છે. રાજ્યમાં 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી અને 50,963 BLOએ ઘરે-ઘરે જઈ ગણતરી ફોર્મ આપવાની અને મતદારોના મેપીંગ-મેચીંગની કામગીરી સુપેરે પાર પાડી હતી.

ઝુંબેશ દરમિયાન કુલ 5,08,43,436 મતદારોમાંથી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા હતા, જેને સંપૂર્ણ ડિજીટાઈઝ કરવામાં આવ્યા. BLO દ્વારા ડોર-ટુ-ડોર સર્વે દરમ્યાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરેલા તથા બે સ્થળે નોંધાયેલા મતદારોની ઓળખ કરવામાં આવી.

મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં 5.08 કરોડ મતદારો નોંધાયેલા હતા, જે મુસદ્દા યાદી બાદ 4.34 કરોડ થયા હતા અને હવે આખરી યાદીમાં 4.40 કરોડથી વધુ મતદારોનો સમાવેશ થયો છે.
આખરી મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો અને નિર્ધારીત સ્થળોએ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉપરાંત મુખ્ય નિર્વાચન

અધિકારીની વેબસાઈટ http://ceo.gujarat.gov.in પર પણ યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. દરેક જિલ્લામાં ફોટાવાળી પ્રિન્ટેડ નકલ અને ફોટા વગરની સોફ્ટ કોપી માન્ય રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે. SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ આગામી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે.

ચૂંટણી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો ફોર્મ નં. 6 ભરી આગામી સુધારણા દરમિયાન પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ નાગરિકો ફોર્મ નં. 6, 7 અને 8 દ્વારા જરૂરી સુધારા કરી શકશે.
રાજ્યમાં મતદાર યાદીની ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશને ચૂંટણી તંત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે.

Most Popular

To Top