પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત થયા બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનની ધરતી પર યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ સર્જાયો છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના ઉર્ગુન જિલ્લામાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ સ્થાનિક અફઘાન ક્રિકેટરોના મોત થયા. આ ઘટનાએ સમગ્ર અફઘાનિસ્તાનમાં આક્રોશની લાગણી ફેલાવી છે.
હુમલામાં માર્યા ગયેલા ત્રણેય ખેલાડીઓ કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન સ્થાનિક સ્તરે જાણીતા ક્રિકેટરો હતા અને એક મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ આ ઘટનાને ગંભીર ગણાવી શોક વ્યક્ત કર્યો છે. બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે “ઉર્ગુન જિલ્લાના બહાદુર ક્રિકેટરોની દુઃખદ શહાદત પર અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. આ કાયરતાપૂર્ણ હુમલામાં પાંચ અન્ય નાગરિકોના પણ મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.” ACB એ કહ્યું કે આ ઘટના માત્ર ક્રિકેટ સમુદાય માટે નહીં પણ આખા દેશ માટે મોટું નુકસાન છે.
આ દુઃખદ ઘટનાના પગલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડે પાકિસ્તાનની ધરતી પર યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા થવાની હતી. પહેલી બે મેચ રાવલપિંડીમાં અને બાકીની લાહોરમાં યોજાવાની હતી.
અફઘાનિસ્તાનની ટીમે તા. 17 નવેમ્બરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની હતી. ત્યારબાદ તા. 19 નવેમ્બરે શ્રીલંકા સામે અને તા. 23 નવેમ્બરે ફરી પાકિસ્તાન સામે મુકાબલો થવાનો હતો. જોકે હવે અફઘાનિસ્તાનના ખસી જવાથી આ શ્રેણી ગંભીર સંકટમાં મુકાઈ ગઈ છે.
વિશ્લેષકો માને છે કે અફઘાનિસ્તાનનો આ નિર્ણય માત્ર રમતગમતનો નથી પરંતુ રાજકીય અને માનવતા આધારિત પ્રતિસાદ છે. પાકિસ્તાની હુમલામાં પોતાના ખેલાડીઓ ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાન માટે ક્રિકેટ રમવું અશક્ય હતું. આ પગલાથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીકા સહન કરવી પડી શકે છે.
આ આખી ઘટના બતાવે છે કે કેવી રીતે રાજકીય તણાવ રમતગમતના સંબંધોને પણ અસર કરે છે. અફઘાનિસ્તાનનો આ નિર્ણય તેમના ખેલાડીઓ પ્રત્યેની સંવેદના અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.