Editorial

અમેરિકાની ટેરિફની ધમકીઓ ભારતને ડરાવી શકે તેમ નથી

હાલ છેલ્લા કેટલાક સમયથી અમેરિકી પ્રમુખ ઉગ્ર ભારત વિરોધી વલણ અપનાવવા માંડ્યા છે. હાલમાં ટ્રમ્પે રશિયાથી કરાતી ઓઇલ આયાતની સજા તરીકે ભારત પર ૨૫ ટકા વધારાના ટેરિફ અને દંડની જાહેરાત કરી છે તે પછી ભારત અને અમેરિકા વચ્ચે તનાવ ઓર વધી શકે છે અને બંને દેશો વચ્ચેના વેપારને વધુ અસર થઇ શકે છે. ટ્રમ્પે રશિયા સાથે ધંધા બદલ ભારત પર ૨૫ ટકા ટેરિફ ઝિંકવાની અને વધુમાં દંડ લાગુ પાડવાની જાહેરાત કરી છે. દંડ કેટલો હશે તેની સ્પષ્ટતા નથી પરંતુ રશિયા સાથે ધંધો કરતા બ્રિક્સ દેશો પર ૧૦ ટકા વધારાનો ટેરિફ લાગુ પાડવાની જાહેરાત અગાઉ ટ્રમ્પ કરી ચુકયા છે. આ જોતા ભારત પર અસરકારક ટેરિફ ૩૫ ટકા થશે. ટેરિફ આયાતકારો દ્વારા ચુકવવામાં આવે છે.

આથી ભારતનો માલ અમેરિકામાં ખરીદનારાઓએ ટેરિફ ચુકવવો પડશે. આથી ભારતીય વસ્તુઓ અમેરિકામાં વધુ મોંઘી બનશે. ભારત માટે સમસ્યા આ જ છે. વસ્તુઓ મોંઘી થતા તે અમેરિકામાં વેચાવાનું ઓછું થઇ શકે છે. મેક્રો લેવલ પર જોતા આ ટેરિફ ભારતના જીડીપીને માત્ર ૦.૨ ટકા જેટલો નીચો લઇ જઇ શકે છે એમ એક બેન્કનું સંશોધન જણાવે છે. ભારત જેવા વિશાળ દેશને એક અમેરિકાના બજારમાં વસ્તુઓનું વેચાણ ઘટવાથી બહુ મોટો ફરક પડી શકે નહીં.

ટ્રમ્પનું વલણ વિચિત્ર રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્ષોથી વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી હતી. વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પે ફેબ્રુઆરી ૨૦૨૫માં જાહેરાત કરી કે બંને દેશો વચ્ચે વેપાર કરારનો પ્રથમ તબક્કો પાનખર સુધીમાં થઇ જશે. જો કે આના પછી બીજી એપ્રિલે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી, જે બધા દેશો માટે ૧૦ ટકાની બેઝલાઇન ટેરિફ ધરાવે છે અને દેશ-દેશના કેસ મુજબ વધારાના ટેરિફ લાગુ પડશે, જે ભારત માટે કુલ ૨૬ ટકા ટેરિફ થાય છે.

જો કે બાદમાં ટ્રમ્પે આમાં ૯૦ દિવસનો પોઝ જાહેર કર્યો, જે વિરામ જુલાઇમાં પુરો થવાનો હતો પરંતુ તે ૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો અને પછી ટેરિફ અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી. આના પછી ટ્રમ્પે આ નવો રશિયાથી ઓઇલ આયાતનો મમરો મૂક્યો છે. જો કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મક્કમ સૂર જાળવી રાખ્યો છે અને દેશને સ્થાનિક સામાન ખરીદવા વિનંતી કરી છે જયારે ભારત સરકારે સંકેત આપ્યો છે કે તે રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.

ટ્રમ્પની ધમકીને ભારતે તરત જ વખોડી નાખી તે સારુ થયું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી તેના કલાકો પછી ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કરીને તેના પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂક્યો હતો. રશિયાથી ઓઇલ આયાત બદલ ભારતની ટીકા કરનાર યુરોપિયન યુનિયન પર પણ ભારતે બેવડા ધોરણોનો આક્ષેપ કર્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયે પ્રમુખ ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા કહ્યું કે યુક્રેન સંઘર્ષ ફાટી નીકળ્યા પરંપરાગત ઊર્જા સપ્લાયર્સે તેમની નિકાસ યુરોપ તરફ વાળવી પડી હતી. તે સમયે, અમેરિકાએ વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર કરવાના માર્ગ તરીકે ભારતની રશિયા પાસેથી ખરીદીને પ્રોત્સાહન પણ આપ્યું હતું. મંત્રાલયે ભાર મૂક્યો હતો કે રશિયાથી ભારતની ઊર્જા આયાત ભારતીય ગ્રાહકો માટે પોષણક્ષમ અને અનુમાનિત ઇંધણના ભાવ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક છે. ભારતની આયાત ભારતીય ગ્રાહક માટે અનુમાનિત અને પોષણક્ષમ ઊર્જા ખર્ચ સુનિશ્ચિત કરવા માટે છે. તે વૈશ્વિક બજારની પરિસ્થિતિના કારણે ઉદભવેલી મજબૂરી પણ છે.

જો કે, ભારતની ટીકા કરનારા કેટલાક રાષ્ટ્રો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. અને અમારા કેસથી વિપરીત, આવો વેપાર કરવામાં તેમની કોઇ મોટી મજબૂરી પણ નથી એમ વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. યુરોપિયન યુનિયનનો રશિયા સાથેનો વેપાર ફક્ત ઇંધણ પુરતો મર્યાદિત નથી, તેમાં ખાતરો, ખનિજો, રસાયણો, લોખંડ, પોલાદ, ટ્રાન્સપોર્ટ સાધનોનો પણ સમાવેશ થાય છે એમ ભારતે કહ્યું હતું. ભારતે અમેરિકાને અને યુરોપિયન યુનિયનને યોગ્ય રીતે જ જવાબ આપ્યો છે. ભારત પોતે અનેક બાબતમાં આત્મનિર્ભર છે અને દુનિયાના અનેક દેશો તેની સાથે વેપાર કરવા તૈયાર છે ત્યારે ભારતે અમેરિકાની ધમકીઓ સામે ઝુકવાની જરૂર નથી.

Most Popular

To Top