તમિલનાડુના કરુરમાં થયેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અભિનેતા તથા તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા વિજયની તા. 27 સપ્ટેમ્બરના રોજ સાંજે રાજકીય ચૂંટણી રેલી દરમિયાન ભાગદોડ મચી હતી. જેમાં 40 લોકોના મોત થયા અને 100થી પણ વધુ લોકો ઘાયલ હતા. આ ઘટનાની અસર હજી શાંત પણ ન થઈ હોય તે પહેલા જ ચેન્નાઈમાં આવેલા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બે ઘટનાઓને કારણે રાજ્યમાં તણાવનું વાતાવરણ છે અને કાયદો-વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કરુરની રેલીમાં ભાગદોડ
કરુરમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વિજયની હાજરી દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે 40 લોકોના જીવ ગયા અને 100થી પણ વધુ લોકો ઘાયલ પણ થયા હતા. આ દુર્ઘટનાએ તમિલનાડુની રાજનીતિને હચમચાવી નાખી છે અને સુરક્ષા વ્યવસ્થાની મોટી ખામી બહાર આવી છે. જોકે ઘટના અંગેની તપાસ ચાલુ છે.
ચેન્નાઈમાં વિજયના ઘરે બોમ્બની ધમકી
આ દુર્ઘટના બાદ હવે ચેન્નાઈના નીલંકરાય વિસ્તારમાં આવેલા વિજયના નિવાસસ્થાને ફોન દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા લોકોએ કૉલ કરીને જણાવ્યું કે તેમના ઘરમાં બોમ્બ મુકાયો છે. આ ધમકીના સમાચાર મળતાં જ તાત્કાલિક પોલીસ દોડી આવી અને સમગ્ર વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી હતી.
ઍમ્બેસીને પણ મળી ધમકી
માત્ર વિજયનું ઘર જ નહીં પરંતુ ચેન્નાઈમાં આવેલા શ્રીલંકન અને બ્રિટિશ ઍમ્બેસીને પણ આવી જ પ્રકારની બોમ્બ ધમકીઓ મળી હતી. એક સાથે મળેલી આ શ્રેણીબદ્ધ ધમકીઓએ પોલીસને પણ ચોંકાવી દીધા છે. તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસની કાર્યવાહી શરૂ
આ ધમકીના મેસેજની જાણ થતાંજ વિજયના ઘરની આસપાસ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો. સમગ્ર વિસ્તારને સીલ કરીને કડક સુરક્ષા ગોઠવામાં આવી હતી. જોકે કલાકોની તપાસ બાદ પોલીસે જાહેર કર્યું કે કોઈ બોમ્બ મળ્યો નથી અને આ ધમકી પાયાવિહોણી હતી. એટલે કે આ માત્ર એક ખોટો એલાર્મ હતો. તેમ છતાં પોલીસે આ ધમકી કોણે આપી તેની તપાસ શરૂ કરી છે.
કાયદા-વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠ્યા
કરુરની દુર્ઘટના અને ચેન્નાઈમાં બોમ્બ ધમકીની ઘટનાઓને કારણે તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. રાજકીય માહોલમાં વિજયની સુરક્ષાને લઈ ભારે ટીકા થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે વિજય તથા અન્ય નેતાઓની સુરક્ષાની સમીક્ષા જરૂરી બની ગઈ છે.