ગાંધીનગર: અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં ધમકીભર્યા ઇ-મેઈલ બાદ અમદાવાદ સહતિ અનેક શહેરોની કોર્ટોને નિશાન બનાવતા ધમકીભર્યા ઈ-મેલ મળતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે.
આજે વહેલી સવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતીં. પોલીસે કોર્ટ સંકુલ ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને સવારે 4.07 કલાકે મળેલા ઈ-મેલમાં કોર્ટ પરિસરમાં 19 RDX IED બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેલમાં લંચ બ્રેક દરમિયાન વિસ્ફોટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી કોર્ટ પરિસર ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરાઈ હતી.
તેવી જ રીતે મહેસાણા, ગાંધીનગર, વડોદરા, વલસાડ જિલ્લા કોર્ટમાં ધમકીભર્યા ઈ-મેલને પગલે તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી કડક ચેકિંગ શરૂ કરાયું હતું. ખાસ કરીને ગાંધીનગરમાં વિધાનસભા ચાલુ હોવાથી તેમજ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં હોવાથી ગાંધીનગર કોર્ટમાં ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાજ્યમાં જે કોર્ટોમાં ધમકીભર્યો ઈ-મેલ આવ્યો છે તે તમામ કોર્ટ પરીસરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી હતી. સઘન તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ પરિસરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.