NEWSFLASH

દિલ્હીમાં 20 કોલેજોને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈમેલથી ભય ફેલાયો

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ખોટી ધમકીએ ખળભળાટ મચાવ્યો છે. ચાણક્યપુરી સ્થિત જેસસ એન્ડ મેરી કોલેજ સહિત આશરે 20 કોલેજોને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અચાનક મળેલી ધમકીથી કોલેજ પ્રશાસનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

કોલેજોએ તરત જ પોલીસને જાણ કરી હતી. દિલ્હીની પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ધમકી ફેક (ખોટી) હતી. ઈ-મેલ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવવા VPN નો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેની ઓળખ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં સાયબર સેલની ટીમ ઈ-મેલ ટ્રેક કરીને આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટના નવી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં દિલ્હીની અનેક શાળાઓને પણ આવી જ રીતે બોમ્બની ધમકી મળી હતી. જે બાદમાં ખોટી સાબિત થઈ હતી. જોકે, ચિંતાનો વિષય એ છે કે અત્યાર સુધી પોલીસને ધમકી આપનારાઓને પકડી પાડવામાં સફળતા મળી નથી.

આવા ખોટા ઈ-મેલથી ફક્ત કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ માતાપિતામાં પણ ભારે ભય ફેલાય છે. સતત આવી ઘટનાઓ બનતા સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોના મતે આવા કેસોમાં કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ખોટી રીતે સમાજમાં ભય ફેલાવવાનો પ્રયાસ ન કરે.

Most Popular

To Top