વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના મગોદ ગામે ગણપતિના મંડપ છોડી રહેલા યુવાનને સ્થાનિક માથાભારે કાર (Car) ચાલકે પોતાની કારે વડે અડફેટે લઈ અને હાથમાં કોઇતો લઈને ધમકી (Threat) આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ (Complaint) નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના મગોદ મહા ફળિયામાં રહેતા આનંદભાઈ ગામના યુવાનો સાથે ગણપતિના મંડપ છોડી રહ્યા હતા.
ત્યારે મગોદ મહાફળિયામાં રહેતો સુબોધ વિનોદ પટેલે પોતાની કાર પુરઝડપે લઈને આવીને આનંદ ઉપર ચડાવી દઈને કચડી મારવાના પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુબોધે કાર ઊભી રાખીને કારમાંથી આનંદ તથા અન્ય યુવાનોને ધમકી આપી હતી કે ફરીથી અંદર જવાનો રસ્તો બંધ કરીશ તો તારું કાસળ કાઢી નાખીશ, તેવી આનંદને ધમકી આપી હતી. ત્યારબાદ સુબોધ કાર લઈને ચાલી ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત આનંદને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઈ છે.
ખેરગામના વાડ ગામમાં મારામારીના પ્રકરણમાં સામસામી ફરિયાદ
ખેરગામ : ખેરગામ પોલીસ મથકે મળતી માહિતી અનુસાર ખેરગામના વાડ મોટી નહેર ગોડાઉન ફળિયામાં રહેતા જીગ્નેશ મનોજ આહીરે પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ રાત્રે તે ઘરે હતો. ત્યારે નેલેશભાઈ ગૌચરણમાં દફનાવેલી ભેંસ અંગે વાતચીત કરતા હતા. ત્યારે ધીરુ બાબરે ઉશ્કેરાઈ જઇ અચાનક લોખંડના સળિયાથી જીજ્ઞેશના પિતા મનોજભાઈ ઉપર હુમલો કર્યો હતો.
આ અંગે પોલીસે નેલેશ ધીરુ આહીર અને ધીરુ બાબર આહિર સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. જ્યારે સામે પક્ષે વાડ ગામના ટેકરી ફળિયામાં રહેતા નેલેશ ધીરુ આહીરે ખેરગામ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ રાત્રે 9 ઘરે હતા ત્યારે જીગ્નેશ અને તેના પિતા મનોજ અને ભારતીબેન ઘરે આવ્યા તે વખતે મનોજ પીધેલાની હાલતમાં હતો અને તેમના હાથમાં ધોકા હતા. મનોજભાઈ અને જીગ્નેશભાઈ બહાર નીકળો બહાર નીકળો એવી બૂમો મારી ઓટલા ઉપર ધસી આવી નિલેશને માથામાં લાકડાના ફટકા મારતા એની માતા અને પત્ની ઘરની બહાર દોડી આવતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઝપાઝપીમાં મનોજને માથામાં ઈજા થઈ હતી. આ બનાવ અંગે નિલેશની ફરિયાદના આધારે પોલીસે જીગ્નેશ આહીર અને મનોજ આહીર, ભારતી આહીર સામે ગુનો નોંધી બંને બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ મુળુભાઇ કરી રહ્યા છે.