ગાંધીનગર: ઉનાળા વેકેશન (Summer vacation) દરમિયાન ગુજરાતના દરેક બીચ ઉપર માનવ મહેરામણ જોવા મળે છે. ત્યારે પોતાના રડિયામણા બીચ માટે જાણીતા દિવમાં (Diu) આ વખતે ઉનાળુ વેકેશન સુરક્ષાથી વીતાવી શકાશે નહીં. કારણકે અહીંના કલેક્ટર (Collector) ભાનુ પ્રભાએ એક ચેતવણી આપી છે. તેમજ પ્રવાસીઓને સાવધાન રહેવા જણાવ્યું છે.
અસલમાં પાછલા થોડા સમયમાં દિવના ગામડાઓમાં અને આજુ બાજુના ઘણા વિસ્તારોમાં સિંહની ગર્જના સાંભળવા મળી હતી. જેના કારણે જો આ ઉનાળાના વેકેશનમાં દિવ જવાનો પ્લાન બનાવ્યો હોય તો થોડા સાવધ રહેજો. દિવમાં પ્રવાસ કરતી વેળાએ તમને સિંહ કે પછી દીપડાનો ભેટો થઈ શકે છે.
કારણ કે દીવમાં દેખાયેલો સિંહ હજી પાંજરે પુરાયો નથી અને એક દીપડો પણ 489 વર્ષ જૂના દીવ ફોર્ટની આસપાસ મુક્ત પણે ફરી રહ્યો છે. દીવ ફોર્ટમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેના કારણે કલેક્ટરે આ ચેતવણી જાહેર કરી છે.
દીવના કલેક્ટરે ગઇકાલે બુધવારે પબ્લિક નોટિસ જાહેર કરી હતી. જેમાં લોકોને સિંહના સંભવીત હુમલા સામે ચેતવ્યા છે. દીવના કલેક્ટર ભાનુ પ્રભાએ લોકોને કેવડી, ડાંગરવાડી અને નાગાઓ ગામ નજીક જવા સામે ચેતવણી જાહેર કરી છે અને ખાસ કરીને સાંજે કે રાત્રીના સમયે ત્યાં ન જવાનું કહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે દીવ જિલ્લાના કેવડી, ડાંગરવાડી અને નાગાઓ વિસ્તાર નજીક એક સિંહ જોવા મળ્યો છે. તેથી તે માણસો પર હુમલો કરે તેવી શક્યતાઓ પણ રહેલી છે. હું સિંહને પ્રવાસન સ્થળોએ જતો રોકી શકું નહીં. માટે આવનારા પ્રવાસીઓઐ જ સુરક્ષા વર્તવી જોઇયે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ દીવ ફોર્ટ, ચર્ચ ઘોઘલા અને નાગોઆ બીચ તથા અન્ય લોકપ્રિય ટૂરિસ્ટ પ્લેસ પર જતાં પ્રવાસીઓને સાવચેત કરે. તેમજ પ્રવાસીઓની સુરક્ષાનું ધ્યાન રાખે.
દીવ વહીવટી તંત્રને દીવ ફોર્ટની આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે અને મંગળવારે વહેલી સવારે સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યો હતો. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા ફોર્ટમાં એક પાંજરુ મૂકવામાં આવ્યું છે જ્યારે બે જુદા-જુદા ગામમાં પણ પાંજરા મૂકવામાં આવ્યા છે.