ચેન્નાઇ (CHENNAI)માં ચેપાકની પીચ ટીમ ઈન્ડિયા (TEAM INDIA)ના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI) માટે ફરી એકવાર સંઘર્ષપૂર્ણ સાબિત થઈ છે. પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બેન સ્ટોક્સ દ્વારા બોલ્ડ થનાર વિરાટ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ આઉટ (BOLD) થઈ ગયો હતો. આ વખતે તે ઇંગ્લેન્ડના સ્પિનર મોઈન અલી દ્વારા સંપૂર્ણ રીતે દગો ખાઈ ગયો હતો. ત્યારે હવે વિરાટ કોહલીના ખાતામાં મોઇન અલી (MOIN ALI) દ્વારા શૂન્ય રને આઉટ થયાની સાથે અનિચ્છનીય રેકોર્ડ (RECORD) પણ જોડાય ગયો છે. આ શ્રેણી પહેલા, વિરાટ કોહલી જાન્યુઆરી, 2018 થી ક્યારેય કોઈ ટેસ્ટ મેચમાં બોલ્ડ થયો ન હતો. પરંતુ હવે તે સતત બે ટેસ્ટ મેચમાં બોલ્ડ થયો છે. કોહલીની કારકિર્દીમાં આ પ્રથમ વખત છે જ્યારે તે ટેસ્ટ મેચની સતત બે ઇનિંગ્સમાં ક્લીન બોલ્ડ થયો છે.
વિરાટ કોહલીને બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના મોઇન અલી દ્વારા શૂન્ય પર બોલ્ડ કરાયો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ સ્પિનર દ્વારા 0 પર આઉટ કરાયો હોય. કેપ્ટન કોહલી તેની ટેસ્ટ કારકિર્દીમાં 11 મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26મી વખત આઉટ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂન્ય રને આઉટ થયાના મામલે વિરાટે મહેન્દ્રસિંહ ધોની (11) ને પાછળ છોડી દીધો છે. જો કે, સૌરવ ગાંગુલી (13) હજી આ મામલામાં ટોચ પર છે. મોઈન અલી પહેલા વિરાટને શ્રીલંકાના ઝડપી બોલર સુરંગા લકમાલ, ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને ઘરેલુ ટેસ્ટમાં બાંગ્લાદેશના અબુ ઝાયદે આઉટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં શરૂ થઈ છે. ચેપાક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમની શરૂઆત ફરી એકવાર સારી રહી ન હતી. પ્રથમ દિવસે જ સ્પિનરોએ પ્રથમ ટેસ્ટ કરતા જુદી દેખાતી પિચ પર મદદ મેળવવાનું શરૂ કરી દીધું છે. દિવસની પહેલી 10 ઓવરમાં પિચ તૂટી ગઈ છે અને બોલ પડતાંની સાથે જ તે સ્પિન થઈ રહ્યો છે. જ્યારે બે અગત્યના બેટ્સમેન સાત બોલમાં પેવેલિયન પરત ફર્યા ત્યારે ટીમ ઈન્ડિયાએ પણ આનો ભોગ બનવું પડ્યું છે. પહેલા જેક લીચે ચેતેશ્વર પૂજારાને તેની સ્પિનમાં ફસાવી દીધો અને ત્યારબાદ છઠ્ઠા બોલ પર કેપ્ટન વિરાટ કોહલી પણ મોઇન અલીની સ્પિનથી બોલ્ડ થયો.