Comments

ત્રીજી સપ્ટેમ્બર: બીજિંગ ખાતેની ચીનની ભવ્ય વિક્ટરી ડે પરેડમાં ભારતની ગેરહાજરી વિદેશ નીતિના મોરચે બીજો એક મોટો ધબડકો

ત્રણ સપ્ટેમ્બર ૨૦૨૫. ચીનમાં વિક્ટેરી યોજાઈ ગઈ. ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના દિવસે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારબાદ બીજા દિવસે ચીને જાપાન સાથેના યુદ્ધમાં તેમજ બીજા વિશ્વયુદ્ધમાં મીલેટરી અને નાગરિકો મળીને ૧૯૩૧થી ૧૯૪૫ વચ્ચે સાડા ત્રણ કરોડ લોકોએ જાન ગુમાવ્યો તેની યાદમાં અને દુનિયામાં માથું ઊંચકી રહેલી ફાસિસ્ટ શક્તિઓને પરાસ્ત કરવા ત્રીજી સપ્ટેમ્બરને વિશિષ્ટ દિવસ તરીકે ઉજવે છે.

સપ્ટેમ્બર ૩, ૨૦૨૫ના દિવસે ટાઈનામેન સ્ક્વેર ખાતે ૧૨,૦૦૦ કરતાં વધુ સૈનિકો,૧૦૦ મિલેટ્રી એરક્રાફ્ટ, સેંકડોની સંખ્યામાં અન્ય વાહનો તેમજ ચીનની આધુનિકતમ શક્તિ જેમાં હાઈપર સોનિક મિસાઈલ,ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ, અંડર-સો ડ્રોન્સ, લેઝર ડિફેન્સ સિસ્ટમ, સ્ટ્રીલ્થફાઈટર્સ અને અનમેન્ડસિસ્ટમ જેવી કે રોબોટની પરેડ વિશિષ્ટ આકર્ષણ હતા. આ પરેડમાં ભાગ લેવા માટે ૨૬ દેશોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ભારતના પાડોશી દેશો નેપાળ, મ્યાનમાર, માલદિવ્સ તેમજ પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન યુકિયો હાથોહામા અને દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલીના સ્પીકર જેવા મહાનુભાવો પણ નિમંત્રવામાં આવ્યા હતા. ભારત માટે વિશેષ ચિંતાનો વિષય બનવું જોઈએ તે નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની હાજરી હતી.

૨૬ દેશોને નિમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. તેમાં ભારતને નિમંત્રણ હતું કે નહીં તેનો કોઈ ખુલાસો ભારત સરકારે કર્યો નથી. જો ભારતના વડાપ્રધાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મિટિંગમાં હાજરી આપવા દોડી જતા હોય તો આ પ્રસંગ ચીનના ખાસ કરીને દુનિયાને તેમજ અમેરિકાને પોતાની મીલેટરી તાકાતનું પ્રદર્શન કરવાનો પ્રસંગ હતો, જ્યાં આ પરેડની સલામી ચીનના પ્રમુખ શી જિનપિંગે લીધી હતી, તેમાં ચીનના નિકટના સાથીઓ એવા રશિયા, ઉત્તર કોરિયા, ઈરાન તેમજ ઝિમ્બાબ્વે, પાકિસ્તાન વિગેરે હાજર હતા ત્યારે ભારતના વડાપ્રધાનની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

તાજેતરની SCOની સાઇડલાઇનમાં શી-જિનપિંગ સાથે થયેલી મુલાકાતમાં પણ સરહદી વિવાદ જેવી મહત્વની બાબત ચર્ચામાંથી દૂર રાખવામાં આવી હતી. અમેરિકા સાથે સંબંધ બગડતા ભારત ચીન અને રશિયાના ખોળામાં બેસવા દોડી ગયું હતું તેમાં ખાસ સફળતા મળી નથી તેનું ઉદાહરણ ત્રીજી સપ્ટેમ્બરે બીજિંગમાં યોજાયેલ વિક્ટરી-ડે પરેડમાં વડાપ્રધાનની ગેરહાજરી છે. આપણો પાડોશી દેશ ચીન, રશિયા અને અમેરિકા ત્રણેયને રમાડે છે અને ફાયદો લે છે ત્યારે ભારત એના એક સમયના મજબૂત સાથે અમેરિકાથી દૂર જઈ રહ્યું છે અને ચીન ક્યારેય ભરોસાપત્ર સાથી ન બની શકે. ચીન આપણને કેટલા નિકટના ગણે છે એનું ઉદાહરણમાં વડાપ્રધાનની ગેરહાજરી છે.

ચીન અને રશિયા સાથેની વિદેશ નીતિમાં આપણે દોડીને ગળે વળગવાતો ગયા પણ બાવાના બેય બગડ્યા. આપણે અમેરિકાને નારાજ કર્યું અને ચીન ક્યારેય વિશ્વાસપાત્ર સાથી બનવાનું નથી ત્યારે વિદેશનીતિના મોરચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સદંતર નિષ્ફળ ગયા છે અને એની અકળામણ હવે વાતવાતમાં ગાળાગાળીપણ આવી જાય છે તેવા ગાલીપ્રધાન – વડાપ્રધાન તરીકેની ઓળખ જેના બારે વહાણ બૂડી ગયા છે એવા વહીવટથી માંડી વિદેશનીતિ સુધીના દરેક મોરચે નિષ્ફળ વડાપ્રધાને આ મહિનામાં ૧૭મી તારીખે ૭૫ વર્ષ પુરા થાય એટલે વાજતેગાજતે સન્યાસ લઈ લેવાની જરૂર છે. એમની આ અણઘડ વિદેશનીતિ ભારતને માલદિવ્સ હોય કે નેપાળ, અમેરિકા હોય કે ઈરાન, બધે જ નુકસાન કરાવતી રહી છે.

ઘેટી ચરવા જાય છે પણ ઊન મૂકીને આવે છે એ સ્થિતિ આપણા વડાપ્રધાનની છે. ભારત સરકારે ચીને ૨૬ દેશોને આમંત્રણ આપ્યું તેમાંથી ભારતને નિમંત્રણ આપ્યું હતું કે નહીં અને જો આપ્યું હોય તો ભારતીય વડાપ્રધાન અથવા વિદેશ મંત્રી કે સંરક્ષણ પ્રધાન પણ એમાં ગેરહાજર કેમ રહ્યા અને તેની સામે નેપાળ, માલદિવ્સ, મ્યાનમાર અને પાકિસ્તાન જેવા દેશોની સરખામણીમાં ચીન માટે ભારત ક્યાંય નથી એવી છાપ કેમ ઊભી થવા દીધી એનો કમસેકમ આદેશ સમક્ષ ખુલાસો કરવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top