SURAT

સુરતમાં એક અઠવાડિયામાં ત્રીજુ અંગદાન: આદિવાસી યુવાનના અંગોથી ચાર વ્યકિતને મળશે નવજીવન

સુરતઃ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન (Third organ donation) થયું હતું. આ સાથે જ સુરત સિવિલમાં થયેલા સફળ અંગદાનની સંખ્યા 55 થઈ ગઇ છે. સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા આદિવાસી યુવાન ફતેસિંગભાઈ ચૌધરીને બ્રેઈનડેડ (brain dead) જાહેર થતા તેઓના બે કિડની, લિવર તથા ફેફસાનું દાન થયું હતું. જેના થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરાગામના પરવત ફળિયામાં રહેતા અને મજુરીકામ કરતા 31 વર્ષીય ફતેસિંગભાઇ નરોત્તમભાઇ ચૌધરીના અંગોનું દાન કરવામાં આવ્યું છે. તેઓ તા.13/1/2024 ના સવારે 11:30 વાગ્યે કામરેજ ઉધોગનગર બ્રિજ નિચે બાઇક ચલાવીને જતા હતા. ત્યારે અચાનક પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી તેઓ પડી ગયા હતા. તેમજ અકસ્માત અંગે અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરીવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત ફતેસિંગભાઇને કામરેજની સરકારી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યા.

તેમજ ફતેસિંગભાઇની તબિયત વધુ લથડતા 108નો સંપર્ક કરી બપોરે 1 વાગ્યે કામરેજની દીનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના તબીબોના કહેવાથી તા.14/1/2024ના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ગુરુવારે તા.18/1/2024ના રોજ બપોરે 2:50 વાગ્યે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. પરેશ ઝાંઝમેરા તથા ડો કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

મૃતકના પરિવારમાં ફક્ત પિતા નરોત્તમભાઇ તથા માતા કંકુબેન ચૌધરી જ છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ મૃતકના પરિવારની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું.

અંગદાન બાદ બ્રેઈનડેડ ફતેસિંગભાઈના બન્ને કિડ્ની અને લિવરને અમદાવાદની આઇ. કે.ડી. ટીમ હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં મહત્વનું કામ કર્યું હતું. આ સાથે જ નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 55મું અંગદાન થયું છે.

Most Popular

To Top