ઘેજ: ચીખલીના (Chikhli) બોડવાંકથી ચોરેલી મોટર સાયકલ (Moter Cycle) વેચવા જતાં ચોરને બાઈકના (Bike) માલિક (Owner) અને મિત્રએ (Friend) પકડી પાડી, પોલીસને (Police) હવાલે કર્યો હતો.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ હિતેશ નટુભાઇ પટેલની ત્રીસેક હજાર રૂપિયાની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જી.જે. 21 બી.એન. 0269 18 મેના રોજ ઘરની પાછળ મુકી હતી જે બીજા દિવસે સવારે જોવા ન મળતા શોધખોળ કરતા પણ મળી ન આવતા તે દરમ્યાન તેમના પર મિત્ર પ્રકાશભાઇનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે કુમકોતર ગામે એક ભાઇ મોટર સાયકલ વેચવા આવેલા છે તેમ જણાવતા ત્યાં પહોંચી જતા આરોપી હિરમલ શૈલેષ પટેલ તેમની ચોરી કરેલી બાઈકા સાથે પકડાઇ જતાં તેને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દા.ન.હ.ના ખાનવેલ પોલીસ મથકમાંથી ચોર પોલીસને ચક્મો આપી ફરાર
સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાનવેલ પોલીસ મથકમાં કૈદ કરવામાં આવેલો ચોર પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો છે. ઉધવા ગામના દલવીપાડા વિસ્તારમાં રહેતો 22 વર્ષિય કૈલાશ લખમી દલવીને 18 મેના રોજ મહારાષ્ટ્રના થાણેની સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સેલવાસના ખાનવેલ પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આરોપીએ પાણી પીવાનું બહાનું પોલીસ કર્મીઓને બતાવી જેલમાંથી બહાર આવ્યો હતો. અને મોકાનો ફાયદો ઉઠાવી તુરંત પોલીસને હાથતાળી આપી રાત્રીના અંધારામાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી ફરાર થઈ જતાં પોલીસ મોડી રાત સુધી તેને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આરોપીની કોઈપણ ભાળ મળી ન હતી. ત્યારે પોલીસે ફોટાવાળો આરોપી કોઈને પણ જોવા મળે તો તેમણે નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવો. ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓની બેદરકારીના કારણે એક ચોર પોલીસને ચકમો આપી ફરાર થયો હોય ત્યારે દાનહ પોલીસ વિભાગ આવા પોલીસ કર્મીઓ સામે કયા પ્રકારના પગલાં ભરે છે એ હવે જોવું રહ્યું.
અંકલેશ્વરના અંદાડાની સમ્રાટ રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સમ્રાટ રેસિડેન્સીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂ.1.50 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ જતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંદાડા ગામની સમ્રાટ રેસિડેન્સીમાં રહેતાં દિવ્યા કમલેશ મોરકર ધાબા ઉપર સૂતાં હતાં. એ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી હતી અને તિજોરીમાંથી રોકડા રૂ.1.50 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગેની જાણ થતાં જ દિવ્યાબેને શહેર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચોરી અંગેનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.